
ગુજરાતમાં વાહનની સંખ્યા, ટ્રાફિકનું પ્રમાણ વધી રહ્યું છે તેમ ટ્રાફિકના નિયમન ભંગ બદલ દંડની રકમમાં પણ વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે ગુજરાતીઓએ 138 કરોડનો દંડ ટ્રાફિકના નિયમના ભંગ બદલ ચૂકવ્યો હતો. આમ્, ગુજરાતીઓએ ગત વર્ષે દરરોજ રૂપિયા 38 લાખ ટ્રાફિકના નિયમના ભંગ બદલ દંડ પેટે ચૂકવ્યા હતા. ગુજરાતીઓએ એક વર્ષમાં રૂપિયા 100 કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું સૌપ્રથમ વખત બન્યું છે.
વર્ષ 2023 દરમિયાન ટ્રાફિકના નિયમના ભંગ બદલ 15.99 લાખ મેમો ઈશ્યુ થયા હતા. આમ, મેમો ઈશ્યુ થયા હોય તેવા લોકોએ દંડ પેટે અંદાજે રૂપિયા 868 ચૂકવ્યા હતા. ગત વર્ષે ઉત્તરપ્રદેશે દંડ પેટે સૌથી વધુ રૂપિયા 609 કરોડ ચૂકવ્યા હતા. જે રાજ્યોએ સૌથી વધુ ટ્રાફિક દંડ ચૂકવ્યો હોય તેવા રાજ્યોમાં 329 કરોડ સાથે મહારાષ્ટ્ર, 308 કરોડ સાથે રાજસ્થાન, 299 કરોડ સાથે તમિલનાડુનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ તમામ આંકડા માત્ર ઈ ચલાનના છે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ ૫ર વસૂલાતા દંડન આંક તેના કરતાં ઘણો જ ઊંચો જશે.
ગુજરાતીઓ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડમાં 2021 કરતાં 2022માં ઘટાડો થયો હતો. 2021માં દંડનું પ્રમાણ રૂપિયા 98.04 કરોડ હતું જ્યારે 2022માં તે ઘટીને રૂપિયા 92.53 કરોડ થયું હતું. વર્ષ 2022 કરતાં વર્ષ 2023માં દંડના પ્રમાણમાં 51 ટકાનો વધારો થયો હતો. અન્ય રાજ્યો કે જ્યાં 2022 કરતાં 2023માં દંડના પ્રમાણમાં વધારો થયો હોય તેમાં 99 ટકાના વધારા સાથે તમિલનાડુ, 87 ટકાના વધારા સાથે પશ્ચિમબંગાળ, 15 ટકાના વધારા સાથે આસામ અને 14 ટકાના વધારા સાથે ઉત્તરપ્રદેશને સમાવેશ થાય છે.
ગુજરાતીઓએ આ વર્ષે જાન્યુઆરીના 29 દિવસમાં જટ્રાફિકના નિયમના ભંગ બદલ રૂપિયા 10.59 કરોડ ચૂકવી દીધા છે. આમ, આ વર્ષે દંડ પેટે દરરોજ સરેરાશ રૂપિયા 39.53 લાખની રકમ ચૂકવેલી છે. ઈ-મેમોમાં મોટાભાગે હેલમેટ નહીં પહેરવી અને સિગ્નલ તોડવાના દંડનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 10માંથી 6 વાહન ચાલકો હેલમેટ કે સીટ બેલ્ટ વિના જ જોવા મળતા હોય છે. આ ઉપરાંત અનેક લોકો પાકા લાયસન્સ વિના જ કાર ક સ્કૂટર ચલાવતા હોય છે.