સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ખેરાળી ગામ પાસે ટ્રેક્ટર નર્મતા કેનાલમાં ખાબક્તા ખેડૂત દંપતી ડૂબી ગયું હતું. ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં ડૂબેલા દંપતીની શોધ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો. ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર નર્મદા કેનાલમાં ખાબક્યું હોવાનું કહેવાય છે.
સુરેન્દ્રનગરના ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ કમેજળીયા અને તેમની પત્ની અનસૂયાબેન ખેતી કરી પરત ફરી રહ્યા હતા તે સમયે ખેરાળી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ટ્રેક્ટર ચાલક ખેડૂતે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતું.
આ મામલે સરપંચ સહિતના આગેવાનો તેમજ પાલિકાની ફાયર ફાઇટર ટીમ સહિતને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કેનાલમાં ડૂબેલા દંપતીની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસથી પસાર થતાં વાહનચાલકો સહિત અનેક લોકો ઉમટી પડ્યા હતા. પાલિકાની ટીમ દ્વારા આખી રોત શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ દંપતીનો કોઈ પત્તો જ લાગ્યો ન હતો. આના પગલે આખા ખેરાળી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.