અમદાવાદ, ટુરીઝમ ડેવલપમેન્ટ બદલ ગુજરાતે ફરીથી વધુ એક સિધિ મેળવી છે. શ્રેષ્ઠ ટુરીઝમ માટે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલ ઈન્ડિયન ઈનિશિએટીવ દ્વારા સમગ્ર દેશમાં ગુજરાત પ્રવાસનને પ્રવાસ અને પ્રવાસન ક્ષેત્રે સર્વોચ્ચ સિદ્ધિ પુરસ્કારથી સન્માનિત કરાયુ છે. હોટેલિવેટ સ્ટેટ રેન્કિંગ સર્વે રિપોર્ટની ૭મી આવૃત્તિમાં ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયુ છે. આ એવોર્ડ, પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં ગુજરાતના નોંધપાત્ર પ્રદર્શનને ઉજાગર કરે છે.
પર્યટન માળખાને વધારવા અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતે છેલ્લા દાયકાઓમાં આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે. તાજેતરના આંકડાઓ એશિયા પેસિફિક ક્ષેત્રના કુલ ૨૩૦ મિલિયનમાંથી ૭.૨ મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન સાથે વૈશ્ર્વિક પ્રવાસન લેન્ડસ્કેપમાં ભારતનું નોંધપાત્ર યોગદાન દર્શાવે છે. ૨૦૨૨માં ભારતના જીડીપીમાં મુસાફરી અને પર્યટન ક્ષેત્રનું સીધું આર્થિક યોગદાન ૨૪૭ બિલિયન હતું, જેમાં ૮૭ ટકા માત્ર સ્થાનિક મુસાફરી ખર્ચમાંથી ઉદ્ભવ્યું હતું.ડબ્લ્યુટીટીસીઆઇઆઇના હોટેલિવેટ સ્ટેટ રેન્કિંગ સર્વે રિપોર્ટ ૨૦૨૪માં માથાદીઠ જીએસડીપી, પ્રવાસીઓની સંખ્યા, બિઝનેસ કરવામાં સરળતા, બ્રાન્ડેડ હોટલ રૂમ, રોડ અને રેલવે – ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સાક્ષરતા દર, માર્કેટિંગ પ્રયાસો સહિત વિવિધ પરિમાણોમાં ૩૦ ભારતીય રાજ્યોનું મૂલ્યાંકન કરાયુ હતુ. જેમાં ગ્રીન કવર સહિતના વિવિધ માપદંડોના આધારે, ગુજરાતે ગોવા અને મહારાષ્ટ્રને પાછળ છોડીને આગળ રહીને ટોચનું સ્થાન મેળવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં ગુજરાતનું ૭મુ સ્થાન હતુ જે હવે ૨૦૨૪માં પ્રથમ સ્થાને પહોંચી ગયુ છે. જે દર્શાવે છે કે, ગુજરાતે પ્રવાસનને અનેક ગણુ પ્રોત્સાહન આપીને આ સિધિ મેળવી છે. અત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર ઝડપી વિસ્તરી રહ્યું છે.નવા નવી ઈનોવેશન તેમજ ફરવાના સ્થળે કરાયેલી વિવિધ સુવિધાઓને કારણે દેશ-વિદેશના સહેલાણીઓ ગુજરાત આવવા માટે આર્કષાઈ રહ્યા છે