સીંગવડની તોયણી પ્રાથમિક શાળાની માસુમ બાળકીના હત્યારાને ફાંસીની માંગ સાથે લીમખેડા સર્વ સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યુ

સીંગવડની તોયણી પ્રાથમિક શાળાની માસુમ બાળકીના હત્યાની ઘટનાના ઘેરા પ્રખ્યાઘાતો પડ્યા છે, સમગ્ર દાહોદ જીલ્લા મા ભારે રોષ ફેલાયેલો જેવા મળી રહ્યો છે, ત્યારે લીમખેડા નગરના સર્વ સમાજના લોકોએ ભારે સુત્રોચ્ચાર સાથે રેલી યોજી આરોપી આચાર્યને ફાંસીની સજા આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.

દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાની તોયણી પ્રાથમીક શાળાના નરાધમ આચાર્યએ ધોરણ-1 મા અભ્યાસ કરતી 6 વર્ષીય માસુમ બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરી ઠંડા કલેજે હત્યા કરી નાખતા દાહોદ જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમા રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. શાળાના આચાર્ય 56 વર્ષીય ગોવિંદ નટે શાળામા ધોરણ-1મા અભ્યાસ કરતી 6 વર્ષીય માસુમ બાળકીને પોતાની કારમા બેસાડીને સ્કુલ પર લઈ જતી વખતે રસ્તામા પોતાની કાળા કાચ વાળી કાર અવાવરૂ જગ્યાએ લઈ જઈને માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા બાળકીએ બુમાબૂમ કરતા નરાધમ આચાર્યએ બાળકીનુ મો દબાવી શ્વાસ રૂધી નાખી ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની હત્યા કરાઈ હોવાનુ સામે આવતા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતા પૂર્વક તપાસ કરતા શાળાના આચાર્ય ગોવિંદ નટે માસુમ બાળકીની હત્યા કરી હોવાનુ સામે આવતા પોલીસની પુછપરછમા આરોપી ગોવિંદ નટે પોતે કરેલા ગુન્હાની કબુલાત કરી હતી.

સામાન્ય માણસનુ માથુ શરમથી ઝુકી જાય તેવી ઘટનાથી સમગ્ર દાહોદ જીલ્લામા આચાર્યએ આચરેલા ગંભીર પ્રકારના ગુન્હાથી રોષની લાગણી ફેલાઈ રહી છે, અને દાહોદ જીલ્લાને સર્વે સમાજના લોકો આ આરોપીને સરકાર દ્વારા ફાંસીની સજા આપવાની માંગ ઉઠી રહી છે, ત્યારે આવી ઘટનાઓ રોકવા માટે સરકાર પગલા ભરે અને આવા દોષિત આરોપીનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમા ચલાવવામા આવે તેવી માંગ સાથે લીમખેડા નગરના સર્વ સમાજના લોકોએ ભેગા થઈને લીમખેડાના રામદેવપીર મંદિરથી રેલી સ્વરુપે આરોપીને ફાંસી આપોના સુત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર આપી આરોપી આચાર્ય ગોવિંદ નટને જલ્દીથી જલ્દી ફાંસીની સજાની માંગ સાથે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.