પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તોરણી શાળાની બાળકીના મોત મામલે વિરોધ પ્રદર્શન

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આજે ગોધરા ખાતે દાહોદની તોરણી પ્રાથમિક શાળાની માસુમ બાળકીની દુષ્કર્મ ગુજારવાના પ્રયાસ બાદ કરેલી નિર્મમ હત્યા કરી દેવાના મામલે આજે મૌનરેલીનુ આયોજન કર્યુ હતું. પોસ્ટર દ્વારા પણ વિરોધ પ્રદર્શિત કરવામા આવ્યો હતો.

દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી માસુમ વિદ્યાર્થી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી દેવાનો મામલો ગુજરાતમાં ગુજ્યો છે. ત્યારે આ મામલે હવે વિપક્ષ સહિતના અન્ય રાજકીય પાર્ટીઓ પણ તેનો ભારે વિરોધ કરી રહી છે. આ મામલે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા પણ આજે વરસતા વરસાદ વચ્ચે મૌન રેલી કાઢવામા આવી હતી. સાથે સાથે બેટી બચાવો બેટી પઢાવોના તાયફા બંધ કરો, સુરક્ષિત ભાજપ અને અસુરક્ષિત મહિલા,ભાજપાના રાજમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી, મહિલા પર અત્યાચારોની સંખ્યા વધી સહિતના લખાણો વાળા પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ કર્યો હતો.

કોંગ્રેસના ભુતપુર્વ જીલ્લા પ્રમુખ અજીતસિહ ભટ્ટીએ જણાવ્યું હતું કે તોરણી પ્રાથમિક શાળામા જે ઘટના બની છે તેને અમે વખોડીએ છે. આ બનાવ ગુજરાતની સાથે સાથે ભારત માટે પણ ચિંતા પ્રેરીત છે. ખાસ તો ભાજપના રાજમા બાળકીઓ અને મહિલાઓ સાથે અત્યાચાર થાય છે તે ચિંતા પ્રેરીત છે. આ કારણે દેશમા નારાજગીનું વાતાવરણ છે. આવા કૃત્યોને ચલાવી લેવાઈ નહી. ભાજપ બોખલાઈ ગઈ છે. આ કાર્યક્રમમા કોંગ્રેસના આગેવાનો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા.