આયોવા, અમેરિકાના આયોવામાં ટોર્નેડોએ તબાહી મચાવી છે. ટોર્નેડોએ ગ્રીનફિલ્ડમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં ૫ લોકોના મોત નીપજ્યાં હતા અને ૩૫ ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા લોકોના નામ અને ઉંમર વિશે હજુ સુધી માહિતી મળી નથી. ૧૦૦થી વધુ ઈમારતોને નુક્સાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ટોર્નેડોના કારણે તબાહીના દ્રશ્યો બધે જ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે, જેને જોઈને તમે થરથર ધ્રુજવા લાગશો!
આયોવા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટી એ જણાવ્યું હતું કે ટોર્નેડોએ ગ્રીનફિલ્ડ વિસ્તારમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એડમ્સ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે પાંચમી પીડિત, કારમાં સવાર એક મહિલા, ટોર્નેડોથી અથડાઈને મૃત્યુ પામી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોર્નેડો પીડિતોની સંખ્યા વધુ હોઈ શકે છે. ટોર્નેડોએ શહેરમાં વીજળી ઉત્પન્ન કરતી ઘણી પવનચક્કીઓનો પણ નાશ કર્યો હતો, જેના કારણે શહેરના ઘણા ભાગોમાં હજારો લોકો માટે વીજ પ્રવાહ બંધ થયો હતો.
આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ટોર્નેડોના કારણે ગ્રીનફિલ્ડ શહેરનો મોટા ભાગનો ભાગ નાશ પામ્યો છે. ગ્રીનફિલ્ડને ટકરાતા ટોર્નેડોની મહત્તમ ઝડપ ૧૩૫ માઇલ પ્રતિ કલાક સુધી પહોંચી હતી. ગ્રીનફિલ્ડમાં અદૈર કાઉન્ટી મેમોરિયલ હોસ્પિટલને ખરાબ રીતે નુક્સાન થયું હતું. સેંકડો ઈમારતોને પણ નુક્સાન થયું છે. કેવી રીતે ટોર્નેડોએ ગ્રીનફિલ્ડમાં વિનાશ વેર્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટ્વિટર) પર જોઈ શકાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ટોર્નેડોએ ગ્રીનફિલ્ડમાં ઘરો, વૃક્ષો અને વાહનોનો નાશ કર્યો. અન્ય એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે ટોર્નેડો કેટલો ભયંકર હતો. છેલ્લા ૨૪ કલાકમાં આયોવા, નેબ્રાસ્કા, મિઝોરી, ઓક્લાહોમા, વિસ્કોન્સિન અને મિનેસોટામાં ટોર્નેડો નોંધાયા છે, મોટાભાગના અહેવાલો આયોવાથી આવ્યા છે. રાષ્ટ્રીય હવામાન સેવા અનુસાર, મંગળવારે ૨૬ ટોર્નેડો આવ્યા હતા. આમાંના ઓછામાં ઓછા ૨૧ ટોર્નેડો આયોવામાં સાંજે ૫:૪૪ થી ૧૧ વાગ્યાની વચ્ચે આવ્યા હતા.
ટેક્સાસથી મિશિગન અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ ઓછામાં ઓછા ૩૨૯ ગંભીર તોફાનો નોંધાયા હતા. હવામાન વધુ બગડવાની આશંકા છે. ટોર્નેડો, વાવાઝોડું અને મોટા કરાનું સૌથી વધુ જોખમ ટેક્સાસ, ઓક્લાહોમા, અરકાનસાસ અને લ્યુઇસિયાનામાં હશે, જેમાં ડલ્લાસ, વાકો, એબિલેન, લિટલ રોક અને શ્રેવેપોર્ટ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. મેમ્ફિસ, નેશવિલે, લુઇસવિલે, સિનસિનાટી, પિટ્સબર્ગ, બફેલો અને રોચેસ્ટરમાં પણ તીવ્ર પવન આવી શકે છે.