
હૈદરાબાદ,
ટોલિવૂડનાં જાણીતા ફિલ્મ નિર્દેશક અને એક્ટર કે. વિશ્ર્વનાથે ૯૩ વર્ષની વયે ગુરુવારે રાતે અંતિમ શ્ર્વાસ લીધા હતા. કે. વિશ્ર્વનાથ લાંબી માંદગીના કારણે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મૃતદેહને હોસ્પિટલમાંથી લગભગ ૧ વાગ્યે જ્યુબિલી હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ફિલ્મ નિર્માતા કાસીનાધુની વિશ્ર્વનાથ ’કલતપસ્વી’ના નામથી પણ જાણીતા હતા. તેમને માત્ર તેલુગુ સિનેમામાં જ નહીં પરંતુ તમિલ અને કેટલીક હિન્દી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું. વિશ્ર્વનાથના નિધનના સમાચારથી ફિલ્મ જગત સહિત તેમના ફેન્સમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અનિલ કપૂરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કે.વિશ્ર્વનાથજી તમે મને ઘણું શીખવ્યું છે, ઈશ્ર્વરના સમયે તમારી સાથે સેટ પર હોવું એ મંદિરમાં હોવા બરાબર હતું. સિંગર એ આર રહેમાને જણાવ્યું હતું કે, તમારી ફિલ્મોએ મારું બાળપણ માનવતા અને અજાયબીથી ભરી દીધું હતું. તેમાં પરંપરાગત, સંગીત અને નૃત્ય અદ્ભુત હતું. એક્ટર જુનિયર એનટીઆરએ કહ્યું હતું કે, કે. વિશ્ર્વનાથે દેશની બહાર તેલુગુ સિનેમાને ખ્યાતિ અપાવી છે. તેમણે શંકરાભરણમ અને સાગર સંગમ જેવી ઉત્તમ ફિલ્મો બનાવી છે. તેમના અવસાનથી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.
કે.વિશ્ર્વનાથનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૦ના રોજ આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાનાં રેપલ્લેમાં થયો હતો. કે. વિશ્ર્વનાથે કલા તપસ્વીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને હિન્દૂ કોલેજ ગુંટૂરમાં ઇન્ટરમીડિયેટ કર્યું હતું. આ પછી તેણે આંધ્ર યુનિવસટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિશ્ર્વનાથે કરિયરની શરૂઆત વૌહિની સ્ટુડિયો, ચેન્નાઈમાં સાઉન્ડ આટસ્ટ તરીકે કરી હતી.
કે. વિશ્ર્વનાથે ૧૯૫૧માં તેલુગુ ફિલ્મ પથલ ભૈરવીમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. આ બાદ તેમણે ૧૯૬૫માં ફિલ્મ આત્મા ગોવરવમનું દિગ્દર્શન કર્યું હતું. જેમના માટે રાજ્ય નંદી પુરસ્કાર પણ મળ્યો હતો. તેમની સૌથી મોટી ફિલ્મોમાં શંકરાભરનમ, સ્વાતિનુથ્યમ, સાગર સંગમમ અને સ્વયંકૃષ્ણનો સમાવેશ થાય છે. વિશ્ર્વનાથે છેલ્લી ફિલ્મ ’સુભાપ્રધામ’ વર્ષ ૨૦૧૦માં ડિરેક્ટ કરી હતી. ૭૧ વર્ષની કરિયરમાં તેમણે ૫૫ ફીચર ફિલ્મોમાં દિગ્દર્શક તરીકે અને ૪૩ ફિલ્મમાં એક્ટરતરીકે કામ કર્યું હતું.કે.વિશ્ર્વનાથ ફિલ્મકાર બનતા પહેલાં એક્ટર પણ રહી ચુક્યા છે, જેમાં તેલુગુ, તમિલ અને કન્નડમાં ફિલ્મમાં કામ કર્યું છે. તેમને ૨૦૧૬માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ૧૯૯૨માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે પોતાની કારકિર્દીમાં ૧૦ ફિલ્મફેર એવોર્ડ, પાંચ નેશનલ એવોર્ડ અને પાંચ નંદી એવોર્ડ જીત્યા છે.