ટોલ ટૅક્સમાં કરાયેલો વધારો પાછો ખેંચો, નહીંતર આંદોલનની એમએનએસની ધમકી

મુંબઈમાં એન્ટ્રી પૉઇન્ટ પર ગોઠવાયેલા ટોલનાકા પર વર્ષો થયાં ટોલ ટૅક્સ ઉઘરાવાય છે, એટલું જ નહીં, સમયાંતરે એ ટોલ ટૅક્સમાં વધારો પણ થાય છે. હવે એમાં ૧ ઑક્ટોબરથી ફરી પાછો વધારો ઝીંકાયો છે. વર્ષો થવા છતાં ટોલ ટૅક્સ બંધ જ થતો નથી. એટલે હાલમાં જે વધારો કરવામાં આવશે એ પાછો ખેંચાય એ માટે એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના થાણે અને પાલઘર જિલ્લાના અધ્યક્ષ અવિનાશ જાધવની આગેવાની હેઠળ બુધવારે મુલુંડ ચેકનાકા પર આંદોલન કરવામાં આવ્યું હતું અને ૧૫ દિવસમાં એ ટોલ ટૅક્સના વધારાનો નિર્ણય પાછો ખેંચાય એવી માગણી કરવામાં આવી છે. એમએનએસ દ્વારા ટોલનાકા પર ટોલ-વસૂલતી એમઈપી કંપનીના પદાધિકારીને એ બદલ નવેદન પણ આપવામાં આવ્યું હતું. જો ટોલ ટૅક્સનો વધારો પાછો નહીં ખેંચાય તો એમએનએસ પોતાની સ્ટાઇલમાં તીવ્ર આંદોલન કરશે એવી ચીમકી આપવામાં આવી છે. જોકે મુલુંડ-ઈસ્ટના નવઘર પોલીસે એમએનએસના આંદોલનકારોને તાબામાં લઈ તેમની સામે કાર્યવાહી કરી હતી.