ટોળકી મોબાઇલ ચોરવા નીકળી, સુંદર યુવતી જોઈને દાનત બગડી ને દુષ્કર્મ આચર્યું, આરોપી સંજય આખી રાત ઝાડીઓમાં સંતાઈ રહ્યો


વડોદરા,
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જરોદની યુવતી ઉપર દુષ્કર્મ કર્યા બાદ આરોપી સંજય ચૂડાસમા આખી રાત ઝાડીઓમાં સંતાઈ રહ્યો હતો. આ ટોળકી મોબાઈલ ચોરવા નીકળી હતી અને સુંદર યુવતી જોઈને દાનત બગડતાં એક યુવકે તેની પર દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સોમવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ વોકિંગ કરી પરત ફરતી યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે મોબાઈલ પર વાત કરતી હતી. યુવતીને એકલી જોઈ અજાણ્યા બાઈકચાલકે યુવતીને ટક્કર મારી પાડી દીધી હતી. જ્યાં અન્ય બે યુવકે આવીને તેનો મોબાઈલ ઝૂંટવી સવસ રોડ પાસેની રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ પાસે ખેંચી લઈ જઈ તેને પકડી રાખી હતી અને એ યુવકે તેના ગળા પર છરો મૂકી બૂમાબૂમ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. ત્યાર બાદ યુવકો યુવતીને ઝાડીમાં ખેંચી ગયા હતા. આ ઝપાઝપીની સમગ્ર ઘટનાની વાત યુવતીના મિત્ર ફોન પર સાંભળતાં જ કંઈક અજુગતું બની રહ્યાની ગંધ આવતાં તેના મિત્રને ઘટનાસ્થળે મોકલ્યો હતો, જેથી તે યુવક યુવતીને શોધતો સવસ રોડ પર પહોંચ્યો હતો, જ્યાં યુવકે ચીસ સાંભળતાં તે તેની મદદે દોડી ગયો હતો.

યુવતીએ બૂમાબૂમ કરતાં આરોપી યુવકો અને શોધવા આવેલા યુવક વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેથી આરોપીઓ યુવતીને છોડી પકડાઈ જવાના ડરથી રોડ પર મૂકેલી બાઈક છોડીને જીવ બચાવી ભાગ્યા હતા. મદદે આવેલા યુવકના મોબાઈલથી યુવતીના પરિવારજનોને ઘટનાની જાણ કરતાં તેમણે જરોદ પોલીસ મથકે દુષ્કર્મ અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

પકડાયેલા આરોપીઓમાં સંજય ચૂડાસમા (ઉં.૨૩, રૂપાવટી, ભાવનગર), પ્રવીણ ઉર્ફે ચીકુ અર્જુનભાઇ સોલંકી (ઉં.૨૫, ચલાવી, તા. કાલોલ, જિ.પંચમહાલ), વિઠ્ઠલ ભાણજીભાઈ સોલંકી (ઉં.૧૯) ખીજડિયા ગામ, તા.જિ.અમરેલી) અને આર્યન રાજેશભાઈ કાળે (ઉં.૧૯, રહે. કીતનગર બ્રિજની નીચે, ઉત્રાણ, સુરત)નો સમાવેશ થાય છે. જરોદના પીઆઈ એમ.સી.પરમારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તમામના ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

દુષ્કર્મ બાદ આરોપી સંજય ઝાડીઓમાં સંતાઈ ગયો હતો. પોલીસની ગાડીઓની અવરજવરથી સંજય આખી રાત છુપાઈ રહ્યો હતો. સવારે તે બહાર આવતાં જ જરોદ પોલીસે તેને દબોચી કહ્યું કે ‘આવી જા બહાર, હવે તારો ટાઈમ હવે પૂરો થયો.’ જરોદ પોલીસ તપાસમાં એવું સપાટી પર આવ્યું છે કે ‘ચારેય યુવકો ચોરેલી બે બાઈકને લઈને મોબાઈલ ચોરી કરવા નીકળ્યા હતા, પણ રાતના સમયે યુવતીનો મોબાઈલ ઝૂંટવ્યા બાદ તેની ખૂબસૂરતી જોઈ સંજયની દાનત બગડી હતી અને તેણે દુષ્કર્મ કર્યું હતું.

દુષ્કર્મ જેવો ચકચારી કેસ ૧૪ કલાકમાં જ પોલીસે ઉકેલી નાખતાં વડોદરા જિલ્લા પોલીસવડા રોહના આનંદે જરોદ પહોંચી પીઆઈ અને સ્ટાફની કામગીરીનાં વખાણ કરી તમામને પ્રશંસાપત્ર આપ્યા હતા. પોલીસે તરત એકશનમાં આવી સવારનું અજવાળું થતાં જ એક આરોપીને ઝડપી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ચારેય આરોપીને ઝડપી લીધા હતા.દુષ્કર્મ પહેલાં આરોપીઓએ જરોદ ખાતેથી એક બાઈક ચોરી હતી. એ પહેલાં આરોપીઓએ વરણામા ખાતેથી એક બાઈક ચોરી હતી. દુષ્કર્મના સમયે યુવતીનો મોબાઈલ ઝૂંટવી લેનાર આરોપીઓ પાસેથી હજુ સુધી યુવતીનો મોબાઈલ મળ્યો નથી. આ ઉપરાંત જરોદ ખાતેથી ચોરાયેલી બાઈક પણ શોધવાની છે એવી રજૂઆત કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, આ કુલ ચાર આરોપી પૈકીના ત્રણ આરોપી ઘરફોડ ચોરી, વાહનચોરી, મોબાઈલ લૂંટ જેવી ઘટનાને અંજામ આપે છે. રાતે પણ તેઓ ચોરી અને લૂંટફાટના ઈરાદે ફરતા હતા. રાતે બનેલી ઘટનામાં વપરાયેલી બાઇક વડોદરાના વરણામામાંથી ચોરી કરાયેલી હતી. આરોપીઓ પાસેથી કેટલાક મોબાઈલ પણ મળી આવ્યા છે.