- હેલિકોપ્ટરમાં બેસીને દેશ છોડી દીધો. સૂત્રોના જણાવ્યાં મુજબ તેમનું હેલિકોપ્ટર ભારતના અગરતલામાં લેન્ડ થયું.
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી અશાંતિનો માહોલ હતો તે વચ્ચે લગભગ ૨૦ લાખ લોકોના પીએમ આવાસ તરફ કૂચ કરવાની જાહેરાત બાદ બાંગ્લાદેશ આર્મીના ચીફે પીએમ શેખ હસીનાને રાજીનામું આપવાની સલાહ આપી. ત્યારબાદ તેમણે પોતાનું રાજીનામું લખ્યું અને હેલિકોપ્ટરમાં બેસીને દેશ છોડી દીધો. સૂત્રોના જણાવ્યાં મુજબ તેમનું હેલિકોપ્ટર ભારતના અગરતલામાં લેન્ડ થયું છે. આવામાં સવાલ એ છે કે શું ભારત પોતાના મિત્ર રાષ્ટ્રના ભરોસાપાત્ર નેતાને શરણ આપવા જઈ રહ્યું છે.
બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક દિવસથી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ આજે પીએમ શેખ હસીનાના સરકારી આવાસ ગણભબન તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. આજે હજારો લોકોના ઢાકાના રસ્તાઓ પર ઉતરવાના કારણે સ્થિતિ બગડવા લાગી હતી. સ્થિતિ કાબૂમાં ન દેખાતા બાંગ્લાદેશ આર્મીએ શેખ હસીનાને રાજીનામું આપવાની અને દેશ છોડવાની સલાહ આપી જેથી કરીને આંદોલનકારીઓ શાંત થઈ શકે.
સૂત્રોના જણાવ્યાં મુજબ શેખ હસીના પોતાનું નિવેદન રેકોર્ડ કરવા માંગતી હતી પરંતુ માહોલ પોતાના વિરુદ્ધમાં જોતા શેખ હસીનાએ આર્મીની સલાહ માની એ પદેથી રાજીનામું આપીને સરકારી ગાડીથી ઢાકામાં બનેલા બાંગ્લાદેશ એરફોર્સ બેઝ પર પહોંચ્યા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં બેસીને રવાના થઈ ગયા. એવું કહેવાય છે કે તેઓ કોઈ ત્રીજા દેશમાં શરણ લઈ શકે છે. હાલ તેમનું હેલિકોપ્ટર અગરતલામાં લેન્ડ થયું છે. જ્યાં તેમને પૂરી સુરક્ષા સાથે સુરક્ષિત ઠેકાણે લઈ જવાયા છે.
અત્રે જણાવવાનું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ભડકેલી છે. બાંગ્લાદેશમાં સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ વચ્ચે સેના ચીફ જનરલ વકાર ઉઝ જમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કરફ્યૂને અવગણીને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ લોંગ માર્ચ માટે ઢાકાના શાહબાગ ચોર રસ્તે ભેગા થયા. આ અગાઉ રવિવારે થયેલી હિંસામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા. જેમાં ૧૯ પોલીસકર્મી સામેલ છે.
બાંગ્લાદેશમાં અનામત સામે વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ છે. રવિવારે સાંજે ૬ વાગ્યાથી અહીં કર્ફ્યુ લાગુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૦૦ લોકોના મોત થયા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ શેખ હસીના પોતાની બહેન સાથે ભારત જવા રવાના થઈ ગઈ છે. પરંતુ અન્ય અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે લંડન જઈ શકે છે.
બાંગ્લાદેશમાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. પ્રદર્શનકારીઓ અહીં વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. તે જ સમયે, દેશના સેના પ્રમુખ વકાર-ઉઝ-ઝમાને રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. વચગાળાની સરકાર બનાવશે. દેશમાં ટૂંક સમયમાં બધું સારું થઈ જશે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં બાંગ્લાદેશમાં પોલીસ અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. વાસ્તવમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વિવાદાસ્પદ અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. આ અંતર્ગત વર્ષ ૧૯૭૧માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે ૩૦ ટકા સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શેખ હસીનાના એક વરિષ્ઠ સલાહકારે સોમવારે પહેલા જ કહ્યું હતું કે એવી અપેક્ષા છે કે પીએમ તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. નામ ન આપવાની શરતે, સહાયકે કહ્યું હતું કે, ’પરિસ્થિતિ આ રીતે વિક્સી રહી છે, પરંતુ મને ખબર નથી કે તે કેવી રીતે થશે.’
જણાવવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશના વડાપ્રધાનના પુત્ર સાજીબ વાજેદ જોયે સુરક્ષા દળોને સરકાર સાથે સંકળાયેલા લોકો સિવાય તમામ બદમાશોને રોકવાનો અનુરોધ કર્યો છે. અમેરિકામાં રહેતા જોયે ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, ’તમારી ફરજ આપણા લોકો અને આપણા દેશને સુરક્ષિત રાખવાની અને બંધારણની જાળવણી કરવાની છે.’ આનો અર્થ એ છે કે તમારી ફરજ છે કે કોઈ પણ બિનચૂંટાયેલી સરકારને એક મિનિટ માટે પણ સત્તામાં ન આવવા દેવી, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
પીએમ હસીનાના માહિતી અને સંચાર ટેક્નોલોજી સલાહકાર તરીકે સેવા આપતા જોયે ચેતવણી આપી હતી કે જો તેમને પદ પરથી હટાવવામાં આવશે તો બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી પ્રગતિ જોખમમાં આવી શકે છે. આપણો વિકાસ અને પ્રગતિ બધું જ અદૃશ્ય થઈ જશે. બાંગ્લાદેશ ત્યાંથી પરત ફરી શકશે નહીં. તેણે કહ્યું, ’મારે આ જોઈતું નથી અને તમને પણ આ જોઈતું નથી. જ્યાં સુધી હું તેને રોકી શકું ત્યાં સુધી હું આ થવા નહીં દઉં.
એક સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે આ તણાવ વચ્ચે બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાન દેશને સંબોધિત કરવાના છે. સિવિલ સવસ જોબ ક્વોટા વિરુદ્ધ ગયા મહિને શરૂ થયેલી રેલીઓ હસીનાના ૧૫ વર્ષના શાસનની સૌથી ગંભીર અશાંતિ અને તેમના રાજીનામાની વ્યાપક માંગમાં ફેરવાઈ ગઈ છે. વર્તમાન પરિસ્થિતિ બાંગ્લાદેશમાં ભૂતકાળની રાજકીય ઉથલપાથલનો પડઘો છે.