આફ્રિકન દેશ કેન્યામાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કેન્યાની રાજધાની નૈરોબી સહિત અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. દરમિયાન, ભારતીય હાઈ કમિશને કેન્યામાં રહેતા ભારતીયોને સાવધ રહેવાની સલાહ આપતા એડવાઈઝરી જારી કરી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની બહેન ઓમા ઓબામા પણ કેન્યા પોલીસની કાર્યવાહીનો શિકાર બની છે.
કેન્યામાં થયેલી આ હિંસામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની બહેન ઓમા ઓબામા પણ સામેલ છે. ઓમાએ કેન્યા સંસદ ભવન બહાર ઉભા રહીને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. ઓમા ઓબામા કહે છે કે લોકો તેમના અધિકારો માટે લડી રહ્યા છે. અમારા પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે, જેના કારણે અમે અમારી આંખો ખોલી શક્તા નથી.
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ હિંસાની આકરી ટીકા કરી છે. તેમણે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે આવી હિંસા લોકશાહી પર હુમલો છે. દુનિયા તેને જોઈ રહી છે. આ હિંસા માટે જવાબદાર લોકોની શોધ કરવામાં આવી રહી છે. અમે આ ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યા છીએ.
એક્સ પ્લેટફોર્મ પર એક ટ્વિટ શેર કરતી વખતે ભારતીય હાઈ કમિશને લખ્યું કે કેન્યામાં ચાલી રહેલી તંગ પરિસ્થિતિને કારણે તમામ ભારતીયોને સાવચેત રહેવા અને કોઈપણ કામ વગર બહાર ન જવાની સલાહ આપવામાં આવે છે. કેન્યામાં શાંતિ પુન:સ્થાપિત થાય ત્યાં સુધી હિંસાના સ્થળોથી દૂર રહો. તમામ મુખ્ય અપડેટ્સ માટે સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટ્સ સાથે જોડાયેલા રહો. આંકડા અનુસાર, કેન્યામાં લગભગ ૨૦ હજાર ભારતીયો રહે છે, જેમને હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે નૈરોબીમાં સંસદ ભવનમાં એક બિલ પાસ થવાનું હતું. ટેક્સમાં વધારા સાથે સંબંધિત આ બિલ અસ્તિત્વમાં આવ્યા પહેલા જ વિવાદોમાં ઘેરાયેલું હતું. બિલનો વિરોધ કરી રહેલા કેટલાક વિરોધીઓએ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં ૫ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ કાબૂ બહાર નીકળી ગઈ હતી અને પોલીસની કાર્યવાહીથી ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ સંસદમાં આગ ચાંપી દીધી હતી.