
- ૨૦૦ થી વધુ લોકોએ ટીમના અધિકારીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા
કોલકતા, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બદમાશોએ તેમના વાહનોમાં પણ તોડફોડ કરી હતી.ઈડીના અધિકારીઓ રાશન વિતરણ કૌભાંડની તપાસના સંદર્ભમાં ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં શાહજહાંના ઘરે દરોડા પાડવા પહોંચ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, ઈડીના અધિકારીઓ રાજ્યમાં ૧૫ સ્થળો પર દરોડા પાડી રહ્યા છે અને શેખનું નિવાસસ્થાન તેમાંથી એક છે. તે જ સમયે, રાશન કૌભાંડ કેસમાં, ઈડીએ બાણગાંવમાં બાણગાંવ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ શંકર આદ્યાના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે જ્યારે સવારે ઈડીના અધિકારીઓ સંદેશખાલી વિસ્તારમાં શેખના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ ઈડી અધિકારીઓ અને તેમની સાથે રહેલા કેન્દ્રીય દળોને ઘેરી લીધા હતા. આ પછી તેઓએ પ્રદર્શન કર્યું અને પછી તેના પર હુમલો કર્યો. પ્રદર્શનકારીઓએ ટીમને ત્યાંથી જવાની ફરજ પાડી હતી. શાહજહાં રાજ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકના નજીકના સાથી માનવામાં આવે છે. કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ મામલે જ્યોતિપ્રિયા મલ્લિકની ધરપકડ કરવામાં આવી છે.
તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘર નજીક ઈડીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ૨૦૦ થી વધુ લોકોએ ટીમના અધિકારીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા હતા. ટોળાએ સરકારી અધિકારીઓના વાહનોની પણ તોડફોડ કરી હતી. હુમલા બાદ અધિકારીઓએ ભાગવું પડ્યું હતું. આ દરમિયાન ટોળાએ મીડિયા કર્મચારીઓને પણ નિશાન બનાવ્યા હતા. તેમના ફોન છીનવી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઈડીના ઘણા અધિકારીઓ ઘાયલ થયા છે. અનેક લોકોના માથા ફાટી ગયા છે. ઘાયલોને સ્થાનિક કેનિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે ઈડીએ રાશન કૌભાંડ કેસમાં કોલકાતા અને તેની આસપાસના ઉત્તર ૨૪ પરગણામાં ૧૨ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સમય દરમિયાન, જ્યારે ઈડીની ટીમ તૃણમૂલ નેતા અને બ્લોક પ્રમુખ શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે ઉત્તર ૨૪ પરગણાના સંદેશખાલી પહોંચી ત્યારે તેમના સમર્થકો દ્વારા ED ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટોળાએ અચાનક હુમલો કર્યો, જેનો સેન્ટ્રલ ફોર્સના જવાનોને અંદાજ નહોતો. મોટી સંખ્યામાં લોકોના કારણે સૈનિકો અધિકારીઓની સુરક્ષા પણ કરી શક્યા ન હતા. તૃણમૂલ સમર્થકોએ પસંદગીના અધિકારીઓને માર માર્યો છે. તૃણમૂલ નેતાના સમર્થકોએ પણ સૈનિકોનો વિરોધ કર્યો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ વિસ્તારમાં સ્થિતિ અત્યંત તંગ છે. ED ના અધિકારીઓએ જિલ્લાના બાણગાંવમાં તૃણમૂલ નેતા શંકર આદ્યાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. તૃણમૂલના બંને નેતાઓ રાશન કૌભાંડમાં પકડાયેલા મંત્રી જ્યોતિપ્રિયા મલિકના નજીકના હોવાનું કહેવાય છે.
ઈડીની ટીમ પર હુમલા અંગે ભાજપના પૂર્વ અધ્યક્ષ રાહુલ સિંહાએ કહ્યું કે, ’શાહજહાં શેખ સંદેશખાલી વિસ્તારનો ડોન છે. તેઓ ટીએમસીના નેતા પણ છે. તેની સામે અનેક હત્યાના કેસ નોંધાયેલા છે. પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી કારણ કે તે ટીએમસી નેતા છે. અમે ઘટનાની નિંદા કરીએ છીએ અને કાર્યવાહી થવી જોઈએ. રાહુલ સિન્હાએ આરોપ લગાવ્યો કે શાહજહાં એક સ્મગલર છે જેના પર હત્યાનો આરોપ છે. તેણે દાવો કર્યો હતો કે ઈડી પર હુમલો પૂર્વયોજિત હતો. ભાજપે એનઆઇએને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે. આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું, ’સંદેશખાલીમાં આજે જે રીતે ઈડી પર હુમલો કરવામાં આવ્યો તે દર્શાવે છે કે રોહિંગ્યાઓ બંગાળમાં ઘૂસીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાથે શું કરી રહ્યા છે. આવું માત્ર ઈડી સાથે જ નહીં પણ ભવિષ્યમાં બંગાળીઓ સાથે પણ થશે. જો આ સરકાર હશે તો આવું થતું રહેશે.