કોલકાતા,તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા મુકુલ રોય લાપતા થઈ ગયા છે. તેમના પુત્ર શુભાંશુ રોયે આ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે સોમવાર સાંજથી રોયનો કોઈ પત્તો નથી. તેમનો સંપર્ક પણ કરી શક્તો નથી. શુભાંશુએ જણાવ્યું કે રોય સોમવારે સાંજે ઈન્ડિગો ફ્લાઈટ (૬ઈ-૮૯૮) દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ રાત્રે ૯.૫૫ વાગ્યા સુધીમાં દિલ્હી ઉતરવાના હતા, પરંતુ હવે તેમનો સંપર્ક થઈ શક્તો નથી. ગઈકાલે, શુભાંશુએ કોલકાતાના NSCBI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.
રિપોર્ટ્સ અનુસાર, મુકુલ રોયની રવિવારે તેમના પુત્ર સાથે દલીલ થઈ હતી, ત્યારબાદ તે ગાયબ થઈ ગયા હોવાનું કહેવાય છે. આ સિવાય રોય સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. ફેબ્રુઆરીમાં, તેમની પત્ની કૃષ્ણા રોયનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
વર્ષ ૨૦૧૭માં મુકુલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જોકે, ૨૦૨૧માં પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ ચૂંટણી હારી ગયા પછી, પાર્ટીના નેતા મુકુલ રોય તેમના પુત્ર શુભાંશુ સાથે TMCમાં જોડાયા. તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સાંસદ અભિષેક બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા. તમને જણાવી દઈએ કે ટીએમસીમાં મુકુલ રોયનું કદ મમતા બેનર્જી પછી બીજા ક્રમે હતું, પરંતુ ૨૦૧૭માં પાર્ટી છોડ્યા બાદ તેઓ ઘણા પાછળ રહી ગયા હતા. જણાવી દઈએ કે મુકુલ ૧૯૯૮થી બંગાળની રાજનીતિમાં સક્રિય છે.