ટીએમસીના બેનર્જીએ ફરી ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી, આ વખતે વડાપ્રધાન મોદીની પણ ઉડાવી મજાક

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનકરની મિમક્રી કરવાનોમાં મામલો હજુ શાંત નથી થયો એવામાં ટીમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એક વખત ધનખડની મિમક્રી કરી છે અને તેની સાથે જ પીએમ મોદીની પણ મજાક ઉડાવી છે. 

આ વખતે તેમણે સંસદના પરિસરમાં નહીં પરંતુ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓ સામે બોલતા ઉપરાષ્ટ્રપતિની મિમક્રી કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે અમે સંસદની બહાર મિમિક્રી કરી હતી પરંતુ પીએમ મોદીએ જ્યારે ગૃહનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે સંસદની અંદર મિમિક્રી કરી હતી.

આ સાથે જ બેનર્જીએ કહ્યું કે ધનખડ એક નાની વાતને પકડીને દેશ-વિદેશમાં બિચારા બન્યા. સાથે જ ધનખડની સરખામણી શાળાના નાના બાળકો સાથે કરી હતી. આ નકલ ઉતારવાની હરકત વિશે વાત કરતાં રવિવારે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું, “હું મિમિક્રી કરતો રહીશ. મેં તમને પહેલા કહ્યું છે કે તે એક કળા છે. જો જરૂર પડશે તો હું તેને હજાર વખત કરીશ. મારી પાસે અભિવ્યક્ત કરવાના તમામ મૂળભૂત અધિકારો છે. તમે મને જેલમાં પુરી શકો છો પણ હું પીછેહઠ નહીં કરું.”

ઉપાધ્યક્ષ જગદીપ ધનખડને જવાબ આપતાં તેમણે કહ્યું, “તેમની પાસે જોધપુરમાં કરોડોની સંપત્તિ છે, જે દિલ્હીમાં એક આલીશાન ઘર છે. તેની પાસે એક ફ્લેટ છે અને તે લાખોના સુટ પહેરે છે. તે પોતાને ખેડૂત પુત્ર અને જાટ કહે છે, પરંતુ તેમણે સાક્ષી મલિકની નિવૃત્તિ અને બજરંગ પુનિયાની પદ્મશ્રીની વાપસી પર મૌન સેવ્યું હતું.”

જણાવી દઈએ કે બેનર્જીએ સંસદ પરિસરમાં ઘણા વિપક્ષી સાંસદો સામે ધનખડની નકલ કરી હતી અને રાહુલ ગાંધી પોતાના મોબાઈલથી તેનો વિડીયો પણ બનાવી રહ્યા હતા. આ ઘટનાએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો. પીએમ મોદીથી લઈને જાટ સમુદાયે બેનર્જીના આ પગલા પર દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.