ટીએમસી નેતા કુણાલ ઘોષે પોતાના જ સાંસદોને ઘેર્યા, ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા

તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષે પોતાની જ પાર્ટીના વરિષ્ઠ સાંસદ સુદીપ બંદોપાધ્યાય પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોલસા કૌભાંડ કેસમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સાંસદના બેંક ખાતાની તપાસ થવી જોઈએ. તેમણે બંદોપાધ્યાયય જેવા જૂના નેતાઓના વર્ગ પર પ્રહાર કરતા કહ્યું કે આ નેતા ટીએમસીના સાંસદ કરતાં ભાજપના સાંસદ છે. તમને જણાવી દઈએ કે, ઘોષે શુક્રવારે ટીએમસી પ્રવક્તા અને પાર્ટીના રાજ્ય મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ઘોષે એકસ પર એક પોસ્ટ કરી હતી. ઘોષે પોસ્ટમાં TMC અને ED ને પણ ટેગ કર્યા છે. પોસ્ટને ટેગ કરતી વખતે તેમણે કહ્યું કે સાંસદ સુદીપ બેનર્જીના બેંક ખાતાની તપાસ થવી જોઈએ. આ સાથે બેનર્જી અને ખાનગી હોસ્પિટલ વચ્ચે થયેલા પેમેન્ટની પણ તપાસ થવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો એજન્સીઓ તેમની માંગને મુલતવી રાખવાનો પ્રયાસ કરશે તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે. અગાઉ તેમણે કહ્યું હતું કે બંદોપાધ્યાયય ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા છે. આ કારણોસર તેમનું વલણ ભાજપ પ્રત્યે નરમ છે.

ઘોષે એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે અનુભવી ટીએમસી સાંસદો આખા વર્ષ દરમિયાન તેમના મતવિસ્તારમાં જોવા મળતા નથી. તે લોક્સભાની ચૂંટણી વખતે જ જાગે છે.ટીએમસી પાસે તેમના સ્થાને ઘણા યોગ્ય ઉમેદવારો છે, જે હંમેશા લોકોની સાથે છે. મંત્રી ફિરહાદ હકીમે ઘોષના આરોપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જો કે, વિધાનસભામાં ટીએમસીના ડેપ્યુટી ચીફ વ્હીપ તાપસ રોયે કહ્યું કે આ આરોપ ગંભીર છે. પાર્ટીએ આની તપાસ કરાવવી જોઈએ.

પદ છોડતી વખતે, ઘોષે એકસ પર એક પોસ્ટ કરી કે તેઓ રાજ્ય મહાસચિવ અને તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તાનું પદ સંભાળવા માંગતા નથી. તે સિસ્ટમમાં મિસફિટ છે. કામ કરવામાં અસમર્થ છે. તેઓ પાર્ટીમાં સૈનિક તરીકે રહેશે. કૃપા કરીને પક્ષપલટાની અફવાઓને વેગ આપશો નહીં. મમતા બેનર્જી મારા નેતા છે, અભિષેક બેનર્જી મારા કમાન્ડર છે. તૃણમૂલ કોંગ્રેસ મારી પાર્ટી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વને તેમના રાજીનામાની જાણ કરી દીધી છે. આ પહેલા તેણે પોતાની મીડિયા પ્રોફાઇલમાંથી તૃણમૂલ કોંગ્રેસની ઓળખ હટાવી દીધી હતી.