ટીએમસીએ ૫ ઓગસ્ટના રોજ રાજ્યભરમાં બીજેપી નેતાઓના ઘરનો ઘેરાવો કરશે

  • પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ભત્રીજા અભિષેક સામે એફઆઈઆર કેમ થઈ ?

કોલકતા, પશ્ર્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી વિરુદ્ધ FIR દાખલ કરી છે. સુવેન્દુ અધિકારીએ રવિવારે કહ્યું કે, તેમણે આ પગલું ૫ ઓગસ્ટના રોજ રાજ્યભરમાં બીજેપી નેતાઓના ઘરની ઘેરાબંધી કરવા માટે ઉઠાવ્યું છે. હકીક્તમાં શુક્રવારે ટીએમસીની વાર્ષિક ’શહીદ દિવસ’ રેલીને સંબોધિત કરતી વખતે અભિષેક બેનર્જીએ આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને બાદમાં પોતાના ભાષણમાં મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે આ પ્રદર્શન બીજેપી નેતાઓના નિવાસસ્થાનથી ૧૦૦ મીટર દૂર થવું જોઈએ.

સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે તેમણે શનિવારે સાંજે કોલકાતા પોલીસ હેઠળના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં એફઆઈઆર નોંધાવી હતી. વિપક્ષના નેતાએ કહ્યું કે ઘેરાવ કોલથી રાજ્યમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ તેમજ તેમના પરિવારના સભ્યોની સુરક્ષા જોખમાઈ શકે છે. એટલા માટે મેં તેમના ભડકાઉ નિવેદનો માટે એફઆઈઆર નોંધાવી છે.

દરમિયાન, પશ્ર્ચિમ બંગાળના અન્ય વિપક્ષી પક્ષો જેમ કે કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) એ પણ ભાજપના નેતાઓ અને કાર્યકરોના ઘરનો ઘેરાવ કરવાના કોલની નિંદા કરી છે. તેમણે એવો દાવો કર્યો છે કે આવી ઉશ્કેરણીથી વરિષ્ઠ નાગરિકો અને બાળકો સહિત ઘણા લોકોની સુરક્ષા માટે જોખમ ઊભું થઈ શકે છે અને તે દેશના લોક્તાંત્રિક સેટઅપની વિરુદ્ધ છે.

પશ્ર્ચિમ બંગાળની અગ્રણી માનવાધિકાર સંસ્થા એસોસિએશન ફોર પ્રોટેક્શન ઑફ ડેમોક્રેટિક રાઇટ્સ (એપીડીઆર) એ પણ દાવો કર્યો છે કે નાઝી શાસિત જર્મનીમાં આવી વસ્તુઓ બનતી હતી અને વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકરોને નિશાન બનાવતા આંદોલન અકલ્પનીય અને અલોક્તાંત્રિક છે. એપીડીઆરએ શાસક પક્ષને કાર્યક્રમ રદ કરવા વિનંતી કરી છે. એપીડીઆર જોકે, આવા વિરોધ માટે તૃણમૂલના ઉદ્દેશ્ય સાથે એક્તા વ્યક્ત કરી છે, જે વિવિધ કેન્દ્ર-પ્રાયોજિત યોજનાઓ હેઠળ રાજ્ય સરકારને કેન્દ્રીય લેણાંની ચૂકવણી ન કરવા પર છે.