મુંબઇ, ગાયિકા શારદા રાજન આયંગરનું નિધન થયું છે અને ૮૯ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા છે. ગાયિકા નું બુધવારે તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. ગાયિકા ની પુત્રી સુધા મદરિયા એ જણાવ્યું કે તે કેન્સર સામે ઝઝૂમી રહી હતી. હિન્દી ફિલ્મ ’સૂરજ’ (૧૯૬૬) ના ગીત ’તિતલી ઉડી’ થી તેમને દરેક ઘરમાં ઓળખ મળી હતી.
વ્યવસાયે ગાયક મદરિયાએ એક મીડિયા હાઉસ ને જણાવ્યું હતું કે, બુધવારે સવારે મુંબઈમાં તેમના ઘરે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. છેલ્લા છ મહિનાથી તેની સારવાર (કેન્સર માટે) ચાલી રહી હતી. મદરિયા એ સૌથી પહેલા તેની માતાના નિધનના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તેણે લખ્યું, ખૂબ જ દુખની વાત છે કે મારા ભાઈ શમ્મી રાજન અને હું અમારી પ્રિય માતા, ગાયિકા શારદા રાજનના કેન્સર સાથે લાંબી લડાઈ બાદ નિધનના સમાચાર શેર કરી રહ્યા છીએ. ૨૫-૧૦-૧૯૩૩ થી ૧૪-૦૬-૨૦૨૩. ઓમ શાંતિ.
શારદા રાજન, જેને શારદા તરીકે ઓળખવામાં આવે છે, તે ૧૯૬૦ અને ૧૯૭૦ ના દાયકામાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય હતી. તેમનું સૌથી લોકપ્રિય ગીત ૧૯૬૬ની ફિલ્મ ’સૂરજ’નું ’તિતલી ઉડી’ હતું. શારદાએ ૧૯૭૦ની ફિલ્મ ’જહાં પ્યાર મિલે’માં હેલન પર ચિત્રિત ગીત ’બાત જરા હૈ આપસ કી’ માટે શ્રેષ્ઠ મહિલા પાર્શ્ર્વગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. તેમના અન્ય લોકપ્રિય ગીતોમાં ફિલ્મ એન ઇવનિંગ ઇન પેરિસનું ’લે જા લે જા લે જા મેરા દિલ’, ફિલ્મ ગુમનાનનું ’આ આયેગા કૌન યહાં’, ફિલ્મ દિલ દૌલત દુનિયાનું ’મસ્તી ઔર જવાની હો ઓમર બડી મસ્તાની હો’નો સમાવેશ થાય છે. અને ફિલ્મ સપનો કા સૌદાગરનું ગીત ’તુમ પ્યાર સે દેખો’ સામેલ છે.