બાંગ્લાદેશે એક બિલિયન ડોલર (આશરે શ્૮,૪૦૦ કરોડ)ના મહત્વાકાંક્ષી તિસ્તા નદી પ્રોજેક્ટમાં ચીનને બદલે ભારતને પ્રાથમિક્તા આપી છે. આ નિર્ણયને લઈને બાંગ્લાદેશે પડોશી તરીકે જવાબદારી નિભાવી છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, ’તેમની સરકાર એક બિલિયન ડોલરના તિસ્તા નદી વિકાસ પ્રોજેક્ટને અમલમાં મુકવા માટે ભારતને પ્રાથમિક્તા આપશે.
આ નિર્ણયથી નવી દિલ્હીની સુરક્ષા સંબંધિત ચિંતાઓ દૂર થશે.’ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રવિવારે ઢાકામાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, ’ચીન તૈયાર છે, પરંતુ હું ઈચ્છું છું કે ભારત આ પ્રોજેક્ટને પૂર્ણ કરે.’
ચીન અને ભારત બંને તીસ્તા નદીના પાણીના વ્યાપક સંચાલન અને પુન:સંગ્રહના પ્રોજેક્ટને અમલમાં લાવવા ઈચ્છે છે. નદીના પાણીના સારી રીતે વ્યવસ્થાપન માટે ઢાકા સરકારની પહેલ પછી બંને પડોશી દેશ બાંગ્લાદેશને પ્રભાવિત કરવા સ્પર્ધા કરી રહ્યા છે. ભારતમાંથી પસાર થતી ૪૧૪ કિલોમીટર લાંબી તિસ્તા નદીના બેઝિનને વિકસિત કરવાના પ્રોજેક્ટના મુદ્દાને જૂનમાં શેખ હસીનાએ ભારતની યાત્રા દરમિયાન મુખ્ય રીતે રજૂ કર્યો હતો.શેખ હસીનાએ વધુમાં કહ્યું કે, ’અમારે તિસ્તા નદી પ્રોજેક્ટને અમલમાં લાવવાનો છે. ચીનના પ્રસ્તાવ પછી તેની શક્યતાનો અભ્યાસ કર્યો છે. ભારતના પ્રસ્તાવના અમલીકરણની શક્યતાના અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી અમે એ જ કરીશું જે અમારા માટે ઉચિત હશે. જોકે, ભારત દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવને પ્રાથમિક્તા આપીશ.’