ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી કરોડોની ખંડણી માંગી

ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી અને વીડિયોના માધ્યમથી વિવાદમાં રહેતી હોય છે. ક્યારેક જાહેરમાં સોશિયલ મીડિયા લાઈવ ટેલિકાસ્ટ કરી તેમાં અપશબ્દો બોલવા અને કોઈના વિશે વ્યક્તિગત અભદ્ર ટિપ્પણી કરવી કે પછી કોઈને વીડિયોના માધ્યમથી ધાકધમકીઓ આપતી રહે છે. ત્યારે આ ટિકટોક ગર્લ વધુ એકવાર વિવાદમાં આવી છે. કીર્તિ પટેલ સામે ખંડણી માંગવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે. 

પ્રાપ્ત માહતી અનુસાર, ટિક ટોકથી સોશિલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જેમાં કાપોદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કીર્તિ પટેલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ સાેમ આ અગાઉ અનેક ગુનાઓ નોંધાયા છે.

આ પહેલા જ કીર્તિ પટેલે એક વીડિયો શેર કરીને ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાને ટાર્ગેટ કર્યા હતા. સાથે જ પરસોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ કરી હતી. કીર્તિએ વીડિયોમાં કહ્યું હતું કે, ઓ પદ્મિનીબેન, મારો સવાલ આજે તમને છે. પહેલા તમે એમ કહો કે તમારે શું કરવું છે. કેમ કે, ક્ષત્રિય સમાજના બાણુ સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો છે. મહાસંમેલન કર્યું છતા પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉઠી ગયો છે. રૂપાલા સાહેબની શબ્દોની ખૂલ છે, એ માણસ ખરાબ નથી. ક્યારેય એમણે પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારુ કરીએ પણ એમણે અઢારેય વરણનું સારું કર્યું છે.