નવીદિલ્હી, મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં કેદ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને સોમવારે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપ સૂત્રોએ જણાવ્યું કે સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી છે. સત્યેન્દ્ર જૈન ૩૧ મે ૨૦૨૨થી કસ્ટડીમાં છે. ૬ એપ્રિલે દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. એડવોકેટ અભિષેક એમ સિંઘવીએ સત્યેન્દ્ર જૈનની તબિયત લથડતી હોવાનું જણાવ્યું હતું. સિંઘવીએ કહ્યું હતું કે તે માણસ હાડપિંજર બની ગયા છે, જેલમાં તેમનું ૩૫ કિલો વજન ઘટી ગયું છે. તેમની તબિયત સતત લથડી રહી છે અને તેમનો કેસ વેઇટિંગ લિસ્ટમાં ૪૧૬મા નંબર પર છે.
સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે. જૈનના વકીલે કહ્યું હતું કે તેમને વેકેશન બેન્ચમાં સુનાવણીની છૂટ આપવામાં આવે. આ બાબતે સુપ્રીમ કોર્ટે તેમને વેકેશન બેન્ચમાં જવાની મંજૂરી આપી હતી. જસ્ટિસ એએસ બોપન્ના અને હિમા કોહલીની બેન્ચે મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્રની અરજી પર ED ને નોટિસ જાહેર કરીને તેનો જવાબ માંગ્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR ના આધારે ૨૪ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ જૈન વિરુદ્ધ મની-લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૫થી ૩૧ મે ૨૦૧૭ સુધી સત્યેન્દ્ર જૈને અનેક વ્યક્તિઓના નામે જંગમ મિલક્તો ખરીદી હતી. જેના માટે તેઓ સંતોષકારક હિસાબ આપી શક્યા ન હતા. તેમની સાથે પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સાનિલ કુમાર જૈન, વૈભવ જૈન અને અંકુશ જૈન વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો.
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની માંગ પર તિહાર જેલ પ્રશાસને બે કેદીઓને તેમના સેલમાં મોકલવા માટે જેલ સુપરિન્ટેન્ડેન્ટને કારણ બતાવો નોટિસ મોકલી હતી. જૈને જેલ નંબર ૭ના સુપરિન્ટેન્ડેન્ટને વિનંતી કરી હતી કે તે એકલતાના કારણે ડિપ્રેશનથી પીડાઈ રહ્યા છે. તેથી અન્ય બે કેદીઓને તેમની સાથે રાખવા જોઈએ, જેથી તેઓ તેમની સાથે વાતચીત કરી શકે.
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની ટ્રાન્સફર અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. આ કેસમાં હવે પછીની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા ૯ જૂને હાથ ધરવામાં આવશે. અત્યારે તેમના કેસની સુનાવણી સ્પેશિયલ જજ વિકાસ ધૂલ કરી રહ્યા છે. જૈનની આ અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પાસે જવાબ માંગ્યો હતો.