તિહાર જેલ છોડ્યા બાદ કેજરીવાલ ધારાસભ્યો સાથે કરશે મોટી બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના વડા અરવિંદ કેજરીવાલને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા અને જેલમાંથી બહાર આવ્યા કે તરત જ તેઓ પોતાના ઘરે પહોંચ્યા. ઘરે પહોંચ્યા બાદ સીએમ કેજરીવાલે માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા.

શનિવારે સવારે ૧૧ વાગે અરવિંદ કેજરીવાલ કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે પૂજા કરી. હવે તેમની રાજકીય ગતિવિધિઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે આમ આદમી પાર્ટીની એક મોટી બેઠક થવાની છે. આ બેઠક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બોલાવી છે.

અરવિંદ કેજરીવાલ દિલ્હીના તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે. આ બેઠક રવિવારે સવારે દિલ્હીમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે. ધારાસભ્યો સાથેની બેઠકમાં સીએમ કેજરીવાલ આગામી લોક્સભા ચૂંટણી માટે રણનીતિ બનાવશે અને દરેકને એક-એક ટાસ્ક આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોક્સભા ચૂંટણીના પ્રચાર માટે ૧ જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. ૨ જૂને કેજરીવાલે આત્મસમર્પણ કરીને પાછા જેલમાં જવું પડશે. જો કે, કેજરીવાલના પક્ષમાંથી એવી માંગણી કરવામાં આવી હતી કે તેમને ૫ જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવે જેથી તેઓ બહાર હોય ત્યારે લોક્સભા ચૂંટણીના પરિણામો જોઈ શકે. પરંતુ કોર્ટે તેમની માંગને ફગાવી દીધી હતી.

શનિવારે મીડિયા સાથે વાત કરતા સીએમ કેજરીવાલે કહ્યું, મોદી એક ખતરનાક મિશન પર કામ કરી રહ્યા છે. તેમનું મિશન વન નેશન વન લીડર છે. દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. મોદીજી તમામ વિપક્ષી નેતાઓને જેલમાં મોકલી દેશે અને ભાજપના તમામ નેતાઓનો નિકાલ કરશે.

આશંકા વ્યક્ત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો મોદીજી ચૂંટણી જીતશે તો તેઓ મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, સ્ટાલિન અને ઉદ્ધવ ઠાકરેને જેલમાં મોકલી દેશે. મોદી પર આરોપ લગાવતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમણે અડવાણી અને મુરલી મનોહર જોશીની કરિયર પણ ખતમ કરી નાખી અને જો તેઓ ચૂંટણી જીતશે તો ૨ મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ બદલી દેશે.ઈપીએલ