
નડિયાદ અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો છે, જેમાં ઢોર વાડાઓમાં પશુઓને રાખવાની ક્ષમતા ઉપરાંત તેમને અપાતા ચારા અને મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની વિગતો તાત્કાલિક ધોરણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મગાવવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર ઉપરાંત નડિયાદ કલેકટર અને જવાબદાર પક્ષકારોને આ તમામ મુદ્દે 24 કલાક એટલે કે એક જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે
રખડતા ઢોરના અને બિસ્માર રસ્તાઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિર્દોષ પશુઓના મૃત્યુ બાબતે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ નડિયાદ અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દા અંગે પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી.
રાજ્યભરમાં રખડતા ઢોર અને બિસ્માર રોડ રસ્તા મામલે થયેલી જાહેર હિતની અરજી પર આજે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. સુનાવણીની શરૂઆત દરમિયાન નિર્દોષ પશુઓના મોત મામલે હાઇકોર્ટ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. જેમાં હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે કે, માણસોના સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી લેવાશે નહીં. આ ઉપરાંત વ્યક્તિઓના હિત અને સ્વાર્થ માટે અબોલ જીવ મરે એ પ્રકારની જે પણ ડિઝાઇન હશે, તે પણ ચલાવી લેવાશે નહીં.
ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ કે, જો ઢોર નિયંત્રણ નીતિ ની અમલવારીની આડમાં પશુઓના મોત થતા હશે તે પણ ચલાવી લેવાશે નહીં. ગુજરાત હાઇકોર્ટે વધુમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વ્યક્તિઓના સ્વાર્થમાં નિર્દોષ પશુઓના જીવ લેવાની ઘટનામાં ભગવાન પણ આપણને માફ નહીં કરે.
મહત્વનું છે કે નડિયાદ અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે, જેમાં ઢોર વાડાઓમાં પશુઓને રાખવાની ક્ષમતા ઉપરાંત તેમને અપાતા ચારા અને મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની વિગતો તાત્કાલિક ધોરણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મગાવવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર ઉપરાંત નડિયાદ કલેકટર અને જવાબદાર પક્ષકારોને આ તમામ મુદ્દે 24 કલાક એટલે કે એક જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે હવે આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં વિગતવાર સુનવણી હાથ ધરાશે.
નોંધનીય છે કે આ તમામ સમસ્યાઓને લઈને હાઇકોર્ટમાં સમયાંતરે સુનાવણી ચાલી રહી છે અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા કડક ટકોર બાદ રાજ્યભરમાં રખડતા ઢોરને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં પશુઓના મોત થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. આજની સુનાવણી દરમિયાન પશુ માલિકો દ્વારા ઢોરના મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને જે બાદ હાઇકોર્ટ આ સમગ્ર મામલે વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. આવતીકાલે હાઇકોર્ટમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે.