ઢીંકવા હાઈસ્કૂલમાં વસંતપંચમી નિમિત્તે સરસ્વતી પૂજન કરાયું

હાલોલ,હાલોલ તાલુકાના ઢીંકવા ગામે આવેલી જે.આઈ.ભણસાલી સાર્વજનિક હાઈસ્કૂલમાં તા.14-02-24 ના રોજ વસંતપંચમી પર્વ નિમિત્તે સરસ્વતી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સૌપ્રથમ શાળાના વિદ્યાર્થીઓએ મા શારદાની વંદના શ્લોકગાન દ્વારા કરી હતી. ત્યાર બાદ પ્રાર્થના અને ભજન દ્વારા નમન કર્યા હતા. ઉપરાંત દરેક વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોએ ર્માં સરસ્વતીને પુષ્પ અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. વસંતપંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન વસંતપંચમીના દિવસે દેવી સરસ્વતીની જયંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંતપંચમીના દિવસે બ્રહ્માના માનસપુત્રી તરીકે અવતરીત થયા હતા. આ દિવસે વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવતું હોય છે. ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આ ઉત્સવ નિમિત્તે શાળાના આચાર્ય પ્રવીણભાઈ પટેલીયા તથા સાથી શિક્ષક મિત્રોએ સૌ વિદ્યાર્થીઓને વસંતપંચમીનું માહાત્મ્ય સમજાવ્યું હતું.