નવીદિલ્હી,
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં આરોપી ગૌતમ નવલખાને રાહત આપવા મામલે ટિપ્પણી કરવાને લઈને કોર્ટની અવમાનનાની કાર્યવાહીનો સામનો કરી રહેલા ’ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ દિલ્હી હાઈકોર્ટની માફી માંગી છે. ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગી છે. જોકે, તો પણ તેમણે કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે વિવેક અગ્નિહોત્રીને ૧૬ માર્ચના રોજ હાજર થવા માટે જણાવ્યું છે.
આ મામલો આરોપી ગૌતમ નવલખાને રાહત આપવાના આદેશ માટે જસ્ટિસ મુરલીધર સામે પક્ષપાતના આરોપો સાથે સંબંધિત છે. વિવેક અગ્નિહોત્રીએ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ મુરલીધર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. જેના પછી દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૮માં વિવેક અગ્નિહોત્રી અને આનંદ રંગનાથન વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી.
આ પહેલાની સુનાવણીમાં દિલ્હી હાઈકોર્ટે વિવેક અગ્નિહોત્રીને નોટીસ પાઠવી હતી. આ મામલો હાઈકોર્ટના જસ્ટિસ એસ મુરલીધર વિરુદ્ધ તેમની ટિપ્પણી સાથે સબંધિત છે જેમણે ૨૦૧૮માં ભીમા કોરેગાંવ કેસમાં અધિકાર કાર્યર્ક્તા ગૌતમ નવલખાના હાઉસ એરેસ્ટ ઓર્ડર અને ટ્રાન્ઝિટ રિમાન્ડને રદ કર્યો હતો.