કચ્છમાં ૭થી ૯ ફેબ્રુઆરીએ પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ યોજાશે

ભુજ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે જી-૨૦ની અધ્યક્ષતા  પ્રાપ્ત થઈ છે. ભારત માટે જી૨૦ની અધ્યક્ષતા  દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનો બીજો જી૨૦ કાર્યક્રમ યોજાશે. પ્રથમ ટુરિઝમ વર્કિંગ  ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગ ૭થી ૯ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન કચ્છના રણ ખાતે યોજવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી કચ્છનું રણ વૈશ્ર્વિક પ્રવાસન સ્થળ બન્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છને એક સમૃદ્ધ પ્રવાસન અર્થતંત્ર બનાવવાના તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. આ પ્રયાસોને કારણે, કચ્છે તેના વાયબ્રન્ટ પ્રવાસન અર્થતંત્ર અને સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને પરંપરાને કારણે વૈશ્ર્વિક પ્રવાસન નકશા પર એક છાપ ઉભી કરી છે.

ટીડબ્લ્યુજી હેઠળ વધુ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૭ ફેબ્રુઆરીના રોજ આયોજિત સાઇડ ઇવેન્ટ-૧ સમુદાયોના સશક્તિકરણ માટે ગ્રામ્ય પ્રવાસન અને ગરીબી નાબૂદી પર ધ્યાન  કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી ઉપસ્થિત રહેશે. . UNWTOના  ટુરિઝમ માર્કેટ ઇન્ટેલિજન્સ અને કોમ્પિટીટીવનેસના વડા સુ સાંદ્રા કારવાઓ આ કાર્યક્રમમાં પોતાનો અનુભવ અને જ્ઞાન શેર કરશે. UNWTO  દ્વારા ‘પ્રવાસન નીતિ ગ્રામીણ વિકાસમાં પ્રવાસનના યોગદાનને કેવી રીતે સમર્થન આપી શકે’ તે વિષય પર એક પેનલ ડિસ્કશન કરશે. વક્તાઓમાં UNEP, ABD, ILO તેમજ ઇન્ડોનેશિયા, ઇટલી, સાઉથ આફ્રિકા, સ્પેન, જાપાન, સાઉદી અરેબિયા અને આર્જેન્ટિનાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

૭ ફેબ્રુઆરીના રોજ કચ્છમાં પધારેલા પ્રતિનિધિઓને કચ્છના સફેદ રણની મુલાકાત લેવાનો મોકો મળશે. મુખ્યમંત્રી પ્રતિનિધિઓ માટે કચ્છ વિસ્તારના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત  કરતા સાંસ્કૃતિક કાર્યક્રમનું અને ગાલા ડિનરનું આયોજન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીપુરુષોત્તમ રૂપાલા ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ટુરિઝમ વર્કિંગ  ગ્રુપની મીટિંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ૫ મુખ્ય મુદ્દાઓ પર વર્કિંગ  સેશન્સ યોજાશે.

૯ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને અન્ય પાટસિપન્ટ્સ કચ્છના સફેદ રણ ખાતે આયોજિત યોગ સેશનમાં હિસ્સો લેશે. ત્યારબાદ તેઓ હડપ્પન સંસ્કૃતિની યુનેસ્કો હેરિટેજ સાઇટ ધોળાવીરાની પણ મુલાકાત લેશે.

૯ ફેબ્રુઆરીના રોજ આયોજિત સાઇડ ઇવેન્ટ-૨ ‘પ્રમોશન ઓફ આકયોલોજીકલ ટુરિઝમ: ડિસ્કવરિંગ શેર્ડ કલ્ચરલ હેરિટેજ’ (પુરાતત્વીય પ્રવાસનનો પ્રચાર: સંયુક્ત સાંસ્કૃતિ વારસાની શોધ) પર ધ્યાન  કેન્દ્રિત કરશે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સચિવ અરવિંદ સિંઘ આ બાબતે ઓપનિંગ રિમાર્ક્સ આપશે, જ્યારે મુખ્ય સંભાષણ યુનેસ્કો દ્વારા કરવામાં આવશે.