ઠાસરાના ઢુણાદરા ગામે જમીન પચાવી પાડ્યાના આક્ષેપ સાથે યુવકના ધરણા

ડાકોર, ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામમાં તંત્રને 10 મહિનાથી જમીનના કબ્જા બાબતેથી અરજીઓ કરવામાં આવી હોવા છતાં તેમને ન્યાય ન મળતા અરજદાર શાહરૂખ ઉપવાસ પર ઉતર્યા હતા. અન્ય વ્યકિત દ્વારા કરાયેલ કબ્જાને લઈ તેના પર કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારે તંત્ર સામે નારાજગી વ્યકત કરી હતી.

તાલુકાના વાણીયા વગામાં રહેતા શાહરૂખ પઠાણે જણાવ્યા મુજબ સર્વે નં.-898/1 તેમની માલિકીનો હોવા છતાં પણ અકબરખાન પઠાણે કબ્જો કરીને નાંખતા છાપરા બાંધીને જગ્યા ખાલી કરવાની ના પાડી હતી. જેને લઈ ધર્ષણ ન થાય તે માટે 26 વર્ષિય યુવાન શાહરૂખ હકની જમીન પાછી મેળવવા માટે ઉપવાસનો સહારો લીધો હતો. આ અંગે તલાટી વિજય ડાભીએ જણાવ્યુ હતુ કે,એમની અરજી મને આવી હતી. આ મિલ્કત પંચાયત કે સરકારની હોય તો અમે અંદર આવી શકીએ પણ આ મિલ્કત તેઓની માલિકીની હોવાથી તેમને કોર્ટને રાહે જવુ પડશે. જયારે આ જમીન પર રહેતા અકબરખાને જણાવ્યુ હતુ કે,આ અમારા દાદાની જમીન છે. શાહરૂખ ભાઈએ પહેલા પણ રેવન્યુમાં કેસ કરેલ હતો પરંતુ કેસ પેન્ડિગં થઈ ગયો છે.