ઠાસરા તાલુકાના સૂઈ ગામના તલાટી સામે અગાઉની ફાગવેલ ગામની ખોટી પેઢીનામું બનાવવા સબબની ફરિયાદ થતા ફરજ મોકુફ કરવામાં આવ્યા

ડાકોર, ઠાસરા તાલુકામાં આવેલ સૂઈ ગ્રામ પંચાયત ખાતે મુકેશભાઈ ડામોર ફરજ બજાવતા હતા. આ મુકેશભાઇ અગાઉ ફાગવેલ ગામે તલાટીની ફરજ બજાતા હતા. પરંતુ તેઓએ પોતાની ફરજ દરમ્યાન વર્ષ 2022માં ફાગવેલ ગામની સીમની જમીન બાબતે મહેશભાઈ ઈશ્ર્વરલાલ જોષીને પેઢીનામું બનાવી આપ્યું હતું.

જે મુજબ માલિક સોમાભાઇ ભયજીભાઈ જોષીની ખોટી મરણ તા.23-12-75 દર્શાવી ઓમાભાઇ જોષીના બદલે સોમાભાઇ શંકરભાઈના નામના ખોટા દાખલા તથા સોમાભાઇ પોતાના કાકા હોવાનું દર્શાવી ખોટું સોગંદનામું તથા ખોટું પેઢીનામું બનાવીને મામલતદાર કચેરી કઠલાલમાં રજુ કરી જમીનમાં સીધી લીટીના વારસદાર બની ગયા હતા. આ અંગે નરસિંહભાઈ સોમાભાઈ જોષીને જાણ થતા તેઓએ સદર હું મહેશભાઇ જોષી તથા જે તે વખતના તલાટી મુકેશભાઈ ડામોર વિરૂદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ સંદર્ભે પોલીસ દ્વારા તા.22/10/2023ના રોજ મુકેશભાઇ ડામોરને અટક કરી કોર્ટમાં રજુ કર્યા હતા. સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપીને બિલોદરા જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ અંગે ટી.ડી.ઓ. ઠાસરા અને ટી.ડી.ઓ. કઠલાલ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને જાણ કરાતા ગુનામાં સંડોવાયેલ મુકેશભાઈ ડામોરને પોતાની હાલની ઠાસરા તાલુકાના સૂઇ ગ્રામ પંચાયતની તલાટી તરીકેની ફરજ માંથી દુર કરી ફરજ મોકુફ કરવાનો હુકમ કરવામાં આવતાં ઠાસરા તાલુકાના તલાટીઓમાં સોપો પડી ગયેલ છે. એક તરફ ઠાસરા તાલુકામાં તલાટીઓનુંં મહેકમ ઓછું છે અને એક તલાટી ફરજ મોકુફ જતા નાગરિકોને હાલાકીના ભોગવવી પડે તે માટેના પગલા લેવા સરકારી તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે