ઠાસરા તાલુકા પ્રા.ટીચર્સ મંડળીમાં ગેરરીતિના આક્ષેપ તેમની પાસે મંડળીનો કારોબાર

ઠાસરા, ઠાસરા તાલુકા પ્રાથમિક ટીચર્સ મંડળીમાં કરોડોની ગેરરીતિનાં ગંભીર આક્ષેપો બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યારે જેઓની સામે ગેરરીતિના આક્ષેપો થયા છે તે સમયની કારોબારીના સભ્યો હાલમાં નવી કારોબારીમાં પણ હોદ્દાઓ ભોગવીને મંડળીનો કારોબાર કરી રહ્યા હોવાથી બિલાડીને જ દૂધ સાચવવા આપ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

આ બાબતે ટીચર્સ મંડળના સભાસદ રોહીત પટેલ દ્વારા જિલ્લા રજીસ્ટ્રાર ને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ઠાસરા તાલુકાની ટીચર્સ મંડળીમાં કરોડો રૂપિયાની ગેરરીતિ સામે આવી છે અને તેની તપાસ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી રહી છે. જોકે, આશ્ચર્ય ની વાત એ છે કે ગેરરીતિ દરમ્યાન કારોબારીમાં સામેલ હતા તેવા કારોબારી સભ્યો અત્યારે નવી કારોબારીમાં પણ હોદ્દાઓ સાથે મંડળીનો કારોબાર કરી રહ્યા છે. જેને પગલે ચાલી રહેલી તપાસમાં પુરાવા સાથે છેડછાડ થવાની અને તપાસમાં આડઅસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે ચર્ચાતી વાતો મુજબ તપાસ અધિકારીની આગતા સ્વાગતા કરીને ખુશ રાખવામાં આ ટોળકી માહેર છે. જેને કારણે ન્યાયિક તપાસ થવાને બદલે સમગ્ર ગેરરીતિ પૂર્વ ચેરમેન અને મંત્રીના માથે ઢોળીને અન્ય કારોબારી સભ્યો પોતાને ઈમાનદાર સાબિત કરવાની કવાયત કરતા હોવાની વાતો પણ શિક્ષક આલમમાં ચર્ચાઈ રહી છે.