ગ્લેન્ડરનો રોગ એ અશ્વ કુળના પશુઓ જેવા કે (ગર્દભ, અશ્વ , ખચ્ચર) વગેરેમાં જોવા મળે છે, જેમાં બેકટેરીયલ ઇન્ફેક્શનના કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ થવી, ખુબજ ઉંચો તાવ આવવો અને ચામડી ઉપર ચાંદા પડવા જેવા લક્ષણો જણાય છે. આ રોગ ઝુનોટીક” પ્રકારનો (પશુઓથી માનવીમાં અને માનવમાંથી પશુઓમાં થઇ શકે તે પ્રકારનો) હોઇ તે આ અંગે નિયમાનુસાર આગામી એક માસ માટે જાહેરનામું પ્રસિધ્ધ કરી ઠાસરા તાલુકામાં ગર્દભ, ખચ્ચર કે અશ્ર્વોને લાવવા કે બહાર લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
ઠાસરા તાલુકાના ડાકોર માંથી વેટરનરી કોલેજ આણંદ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ એક અશ્ર્વમા ગ્લેન્ડર રોગના શંકાસ્પદ ચિન્હો જણાતા આ અશ્વ ના લોહીના સેમ્પલ ભારત સરકારની આ કામગીરી માટેની અધિકૃત લેબોરેટરીમાં સેમ્પલના પૃથ્થકરણ કરવામાં આવેલ જેમાં આ અશ્ર્વ ગ્લેન્ડર માટે પોઝીટીવ જણાયેલ. જેથી ધી પ્રિવેન્શન એડ કંટ્રોલ ઓફ ઇફેક્સીઅસ એંડ કંટેજીયસ ડીસીઝ ઇન એનીમલ એકટ-2009 અનુસાર ઉક્ત એક અશ્વ ને વૈજ્ઞાનીક પદ્ધતિથી તારીખ 03/09/2024 ના રોજ બપોરના 14:00 કલાકે પશુચિકીત્સા અધિકારી, પશુ દવાખાના ડાકોર દ્વાર શાંત મૃત્યુ આપી, મૃતદેહની ઉપર જરૂરી દવા છંટકાવ કરી દફનાવવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને આ રોગગ્રસ્ત અશ્ર્વના રહેણાંક વિસ્તારને પણ જંતુમુકત કરવામાં આવેલા છે.
આ રોગની તકેદારીના પગલારૂપે આ રોગ માટે અસરગ્રસ્ત વિસ્તાર એવા ઠાસરા તાલુકાના ડાકોરને ગ્લેન્ડર રોગ માટે તાલુકા પશુચિકિત્સા અધિકારી દ્વારા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે અને આ ગામના સમગ્ર પાંચ કિ.મી. ના ત્રિજયામાં આવેલ તમામ ગર્દભ, અશ્વ અને ખચ્ચર ના લોહીના નમુના લેવા માટે ની કામગીરી પણ પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવનાર છે એમ નાયબ પશુપાલન નિયામક જીલ્લા પંચાયત નડિયાદની અખબારી યાદીમાં જણાવેલ છે.