ઠાસરાના કોટલીડોરા ગામે સીસી રસ્તામાં લેવલિંગના પ્રશ્નને સ્થાનિકોને હાલાકી

ડાકોર,ઠાસરા તાલુકાના કોટલીડોરા ગામે બનાવેલા સીસી રસ્તામાં હલકી ગુણવત્તાના મટીરીયલ્સથી બનાવવમાં આવ્યો હોવાની અને લેવલિંગ પણ જાળવ્યુ નહિ હોવાના આક્ષેપો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે ત્યારે રસ્તા બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે તેવુ તાલુકા પંચાયતના સત્તાવાળા જણાવી રહ્યા છે.

ઠાસરા તાલુકાના કોટલીડોર ગામે પંચાયત કચેરીની સામે સીસી રસ્તો બનાવવામાં આવ્યો છે. જે રસ્તાની ફરિયાદ ત્યાંના રહિશો દ્વારા કરવામાં આવી છે. આ રસ્તો ગ્રામ્ય કક્ષાના આયોજનમાં 200 મીટર મંજુર કરવામાં આવ્યો છે. અને તાલુકાના આગેવાનો પંચાયત એગ્રીમેન્ટ કરી બનાવ્યો છે જે આશરે બે લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ રસ્તાના કામમાં હલકી ગુણવત્તાનુ મટીરીયલ્સ વાપરવામાં આવ્યુ હોવાાની અને કોઈપણ લેવલિંગ વગર બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથેની રજુઆતો તે ફળિયાના રહિશો કરી રહ્યા છે. રસ્તો બનાવનાર કોન્ટ્રાકટરને ત્યાંના રહિશોએ કામ ચાલુ હતુ ત્યારે પણ લેવલિંગ કરી પાણીનો નિકાલ યોગ્ય જગ્યાએ થાય તેમ જણાવ્યુ હતુ. પણ કોન્ટ્રાકટરે રજુઆતને ઘ્યાને લીધા વગર કામ કરી નાંખ્યુ હોવાના આક્ષેપો રહિશો કરી રહ્યા છે. હાલમાં પણ ત્યાં પાણીનો નિકાલ થતો ન હોવાથી અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે. આ બાબતે ઠાસરા તાલુકાના ઈન્ચાર્જ ઈન્જિનિયરે જણાવ્યુ હતુ કે, મારી પાસે બિલ હજુ આવ્યુ નથી અને રસ્તાની ફરિયાદ બાબતુ હું તપાસ કરીને આગળ કાર્યવાહી કરીશ.