
પાલનપુર, બનાસકાંઠાનો ધાનેરા થરાદ હાઈવે ફરી રક્તરંજિત બન્યો છે. ધાનેરા -થરાદ હાઇવે પર આજે વહેલી સવારે એક સ્કોર્પિયો ગાડી પલટી ગઈ હતી. ગાડી પલટી જતા થયેલા અકસ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તો અન્ય ૩ લોકો થયા ઇજાગસ્ત થયા હતા.
બન્યુ એમ હતું કે, થરાદ ધાનેરા હાઈવે પર મળસ્કે એક સ્કોર્પિયો ગાડી પૂરઝડપે આવી રહી હતી. આ સ્કોર્પિયો ગાડી ૩ દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત અને ટક્કર એટલો ભયાનક હતો કે, સ્કોર્પિયો ગાડીના ભૂક્કે ભૂક્કા નીકળી ગયા હતા. આ ઘટનામાં ૩ લોકોના મોત નિપજ્યા છે, તો ત્રણ લોકો ઘાયલ થયા છે. આ તમામ લોકો કોણ છે તેની હજી માહિતી સામે આવી નથી. પરંતુ મૃત્યુ પામાનરા લોકો પમરુ ગામના હોવાનું જાણવા મળ્યું છે.
સ્કોર્પિયો ગાડી કોઈનો પીછો કરતી સમયે પલટી હોવાની ચર્ચા છે. ત્યારે આખરે અકસ્માત પહેલા શું બન્યુ હતું તે જાણવા માટે ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટના મામલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.