થાનગઢ હત્યાકાંડ મામલે સરકારને હાઈકોર્ટની ફટકાર, ફાયરિંગમાં ત્રણ દલિત યુવાનોનાં મોતનું રહસ્ય હજુ વણઉકેલાયેલું

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ભરાયેલા પ્રસિદ્ધ તરણેતરના મેળામાં ૧૧ વર્ષ પહેલા પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવાનોનાં મોત થયાં હતાં. જેમાં પીએસઆઈ કે. પી. જાડેજા સહિત ચાર પોલીસ કર્મચારી અને અન્ય જવાબદાર પોલીસ ઓફિસરો સામે ફરિયાદ દાખલ થઈ હતી. હવે આ પોલીસ ગોળીબારની ઘટના અંગે તપાસ અહેવાલ જાહેર કરવાનો રાજ્ય સરકાર દ્વારા ઇન્કાર કરવા બદલ ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.

કોર્ટે રાજ્ય સરકારને *જવાબ આપવાની હિંમત રાખવા* પણ કહ્યું હતું, કારણ કે સરકારે તપાસ અહેવાલની નકલ માંગતી અરજીનો વિરોધ કર્યો હતો. આ કેસ સપ્ટેમ્બર ૨૦૧૨નો છે, જ્યારે મેળામાં ઝઘડા દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે ૧૬ વર્ષીય પંકજ સુમરા,૧૭ વર્ષીય મેહુલ રાઠોડ, અને ૨૬ વર્ષીય પ્રકાશ પરમારનું મૃત્યુ થયું હતું. પોલીસે પાછળથી ગુનો દાખલ કર્યો હતો. જનઆક્રોશ બાદ, રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે સમાજ કલ્યાણ વિભાગના તત્કાલીન સચિવ સંજય પ્રસાદની નિમણૂક કરી હતી. તેમણે મુખ્ય સચિવને રિપોર્ટ સોંપ્યો. જો કે આ તપાસના તારણો જાહેર કરવામાં આવ્યા નથી.

પીડિતો પૈકીના એકના પિતા વાલજીભાઈ રાઠોડે પહેલા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ તપાસના તારણો જાણવા અરજી કરી હતી અને પછી જોગવાઈઓ હેઠળ અહેવાલને નકારવામાં આવતાં હાઈકોર્ટનો સંપર્ક કરીને, તપાસ રિપોર્ટ મેળવવા સતત માગણી કરી રહ્યા છે. વાલજીભાઈ રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવેલી હાલની પિટિશન ૨૦૧૭માં દાખલ કરાયેલા કેસનો પાંચમો રાઉન્ડ છે. તાજેતરની સુનાવણી દરમિયાન, અરજદારના એડવોકેટ, આનંદ યાજ્ઞિાકે દલીલ કરી હતી કે ‘રાજ્ય સરકારે આરઆઈટી હેઠળ અહેવાલ આપવાનો સતત ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તે વિચારણા હેઠળ છે. તેણે એવી અરજીનો પણ વિરોધ કર્યો હતો કે અહેવાલ રાજ્યની વિધાનસભા સમક્ષ મૂકવામાં આવશે, કેમ કે તે એક વિશેષાધિકૃત દસ્તાવેજ છે. જો કે, આ અહેવાલ કયારેય રાજ્યની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો નથી અથવા ગુપ્ત દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો નથી. એક પિતા તેના યુવાન પુત્રને ગુમાવ્યા પછી ૧૧ વર્ષથી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.’ આ સાંભળ્યા બાદ જસ્ટિસ વીડી નાણાંવટીએ કોર્ટમાં હાજર સરકારી વકીલને સવાલ કર્યો. *જ્યારે સરકારે કહ્યું કે રિપોર્ટ વિચારણા હેઠળ છે, ત્યારે તેનું શું થયું? રિપોર્ટનું પરિણામ શું આવ્યું? કોર્ટને જાણ કરો જેથી હું વિચારીશ કે મિસ્ટર યાજ્ઞિાકને શું જવાબ આપવો. કોર્ટને જણાવવા દો, કોર્ટનો અંતરાત્મા સ્પષ્ટ છે. તે અહેવાલમાં એવું શું છે કે તમે કંઈપણ જવાબ આપી શકતા નથી? બાળકના માતાપિતા અથવા વાલી તરીકે, શું કોઈ વ્યક્તિ આ બાબત જાણવાનો હકદાર નથી?’ કોર્ટે આ વિષય પર આગામી સપ્તાહે સુનાવણી રાખી છે.