
થાણેના બદલાપુરમાં બે સ્કૂલની છોકરીઓના યૌન શોષણની ઘટના બાદ હવે અકોલામાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલ ટીચર સામે છ છોકરીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે. શાળાની વિદ્યાર્થીની ઓએ શિક્ષક પર ગંભીર આક્ષેપો કર્યા હતા. શાળાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી શિક્ષકનું નામ પ્રમોદ મનોહર સરદાર છે જે કાઝીખેડ સ્થિત જિલ્લા પરિષદ શાળામાં ભણાવતા હતા. આરોપી શિક્ષક પર ૮માં ધોરણની વિદ્યાર્થીનીઓને બળજબરીથી પોર્ન ફિલ્મો બતાવવાનો અને પછી વિદ્યાર્થીનીઓની છેડતી કરવાનો આરોપ છે. પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શિક્ષક વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત યુવતીઓના નિવેદન ૨૦ ઓગસ્ટે લેવામાં આવ્યા હતા.
અકોલાના એસપી બચ્ચન સિંહે કહ્યું કે, ૨૦ ઓગસ્ટે અમને બાળ કલ્યાણ સમિતિના સભ્ય મનોજ જયસ્વાલની ફરિયાદ મળી હતી. જેમાં કાઝીખેડની જિલ્લા પરિષદ શાળાના શિક્ષક પ્રમોદ સરદારે ૬ છોકરીઓની છેડતી કરી હોવાની માહિતી આપવામાં આવી હતી. આ માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પીડિતાની ફરિયાદ પર, કલમ ૨૯૨/૨૪, બીએનએસ અને પોસ્કોની કલમ ૭૪,૭૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ મહિલા નિરીક્ષક કરી રહ્યા છે.