થાણેમાં ગુજરાતી બિલ્ડરના બંગલામાં ૧૯.૯૦ લાખની દિલધડક લૂંટ

મુંબઇ, થાણે જીલ્લાના યેઉરમાં ૫૦ વર્ષીય ગુજરાતી બિલ્ડરના ઘરનમાં ઘુસીને ૬ શખ્સોએ બંદૂકની ધાક બતાવીને ૧૯.૯૦ લાખની માલમતાની લૂંટ ચલાવી હતી. જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપીઓ ભાગી જતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે યેઉરમાં ભય સાથે સનસનાટી ફેલાઈ ગઈ છે.

આ બનાવની વિગત મુજબ યેઉરમાં ગુજરાતી બિલ્ડર ફાર્મહાઉસ ધરાવે છે. જ્યાં મંકી કેપ પહેરીને આવેલા છ શખ્સોની સશ ટોળકીએ બંદૂકની ધાક બતાવીને લૂંટ ચલાવી હતી. જેમાં દોઢ લાખ રૂપિયા રોકડા, ડાયમંડ, અને પ્લેટિનિયમ તથા સોનાના દાગીના મળીને ૧૯.૯૦ લાખની દિલધડક લૂંટ ચલાવી હતી. ટોળકીએ બિલ્ડર સુધીર નાયર અને તેમના મિત્ર વિનય નાયરને જાનથી મારી નાંખવાની ધમકી આપીને આ લૂંટને અંજામ આપ્યો હતો.

વર્તકનગર પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ રાજકુમાર વાઘચૌરેના જણાવ્યા મુજબ બિલ્ડરને લૂંટનારા શખ્સોની ઓળખ માટે ફાર્મહાઉસ પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરાઈ હતી. જોકે મંકી કેપ પહેરી હોવાથી તેમના ચહેરા ઓળખી શકાતા નથી. જોકે પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.