થલાપતી વિજય ફિલ્મોમાંથી બ્રેક લઇ શકે છે

હૈદરાબાદ, સાઉથના સુપરસ્ટાર થલાપતી વિજય હાલમાં જ વીએમઆઇ( વિજય મક્કલ ઇયક્કમ) ના સભ્યોને મળ્યો હતો. આ સાથે તેમના રાજકીય ડેબ્યુની ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે એવું સાંભળવામાં આવી રહ્યું છે કે વિજય તેમના રાજકીય પ્રવેશ પહેલાં સમગ્ર તમિલનાડુમાં પદયાત્રા કરશે. એટલું જ નહીં, રિપોર્ટ તો એવા પણ મળી રહ્યાં છે કે તેમની રાજકીય એન્ટ્રી બાદ વિજય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક પણ લઈ શકે છે.

વિજયની આગામી ફિલ્મ’ લિયો’ છે જે આ વર્ષે ૧૯ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,’લિયો’ની રિલીઝ પહેલાં વિજય તમિલનાડુની તીર્થયાત્રા પર જશે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અગાઉ જૂનમાં પણ વિજયે તામિલનાડુના તમામ ૨૩૪ મતવિસ્તારોમાંથી ધોરણ ૧૦મા અને ૧૨મા ધોરણના ટોપર્સને સુવિધા આપી હતી. ત્યારથી તેમના રાજકીય ડેબ્યુ વિશે અટકળો લગાવવામાં આવી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો વિજય હાલમાં’લિયો’નું શૂટિંગ કરી રહ્યો છે. વિજય ઉપરાંત આ ફિલ્મમાં સંજય દત્ત અને ત્રિશા પણ જોવા મળશે. તે શાહરૂખ ખાન સ્ટારર’જવાન’માં પણ કેમિયો રોલમાં જોવા મળશે. આ પછી, તે નવેમ્બરમાં ડિરેક્ટર વેંકટ પ્રભુની અનટાઈટલ્ડ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરશે. આ પ્રોજેક્ટ પછી તે પૂર્ણ સમયની રાજનીતિમાં પ્રવેશી શકશે.