
મુંબઇ, શિંદે સેનાએ મહિલા અનામત બિલ પર મતદાન દરમિયાન ગૃહમાં ગેરહાજર રહેલા ઠાકરે સેનાના ૪ સાંસદો સામે મોરચો ખોલ્યો છે. લોક્સભામાં શિવસેનાના ગ્રૂપ લીડર રાહુલ શિવલેએ જણાવ્યું કે લોક્સભામાં હજુ પણ એક જ શિવસેના છે અને અમારી પાસે કુલ ૧૯ સાંસદો છે. હું લોક્સભામાં શિવસેનાનો ગ્રુપ લીડર છું અને ચીફ વ્હીપ ભાવના ગવલી છે. મહિલા અનામત બિલ પહેલા અમે શિવસેનાના તમામ ૧૯ સાંસદોને વ્હિપ જારી કર્યો હતો. પરંતુ વિનાયક રાઉત, રાજન વિચારે, સંજય જાધવ, ઓમરાજ નિમ્બાલકર મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર રહેલા આ ચાર સાંસદો ઠાકરે જૂથના છે. આ વોટિંગ સિવાય અમે એક બેઠક પણ બોલાવી હતી પરંતુ તે બેઠકમાં પણ લોક્સભાના આ ચાર સાંસદો આવ્યા ન હતા. હવે સીએમ શિંદેએ આ ચાર સાંસદો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે જેથી કરીને મહિલા આરક્ષણ પર ઠાકરે સેનાના બેવડા ચરિત્રનો પર્દાફાશ થઈ શકે.
શિંદે સેના અનુસાર, ૧૪ સપ્ટેમ્બરે ભાવના ગવળીએ શિવસેના વતી ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો. આ વ્હીપમાં તમામ ૧૯ સાંસદોને વિશેષ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ વિનાયક રાઉત, ઓમરાજે નિમ્બાલકર, સંજય જાધવ અને રાજન વિચારે બિલ પર મતદાન સમયે ગૃહમાં હાજર ન હતા. આરોપ છે કે વોટિંગ સમયે સંજય જાધવ અને ઓમરાજ નિમ્બાલકર લોબીમાં ફરતા હતા પરંતુ ગૃહમાં પ્રવેશ્યા ન હતા. શિંદે સેનાનો દાવો છે કે લોક્સભામાં હજુ પણ એક જ શિવસેના છે અને સ્પીકરે રાહુલ શેવાળેને જૂથના નેતા અને ભાવના ગવલીને વ્હીપ તરીકે માન્યતા આપી છે. છેલ્લા ૧૧ મહિનામાં ઠાકરે સેના દ્વારા લોક્સભા અધ્યક્ષને એવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે તેઓ અલગ જૂથ છે. નવી સંસદમાં સાંસદોની બેઠક વ્યવસ્થાની પ્રક્રિયા દરમિયાન ઠાકરે સેનાએ રાહુલ શેવાળેનો સંપર્ક કર્યો હતો. શેવાલેએ જ ઠાકરે સેનાના સાંસદોને બેસાડવાની ઔપચારિક્તા પૂરી કરી હતી.
શિંદે સેનાના કહેવા પ્રમાણે, મોદી સરકાર પર અવિશ્ર્વાસ પ્રસ્તાવ દરમિયાન પણ ઠાકરે સેનાના સાંસદોએ વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું. સીએમ એકનાથ શિંદેએ જૂથના નેતા રાહુલ શેવાલેને આદેશ આપ્યો છે કે તેઓ મતદાન દરમિયાન ગૃહમાંથી ગેરહાજર રહેલા ૪ સાંસદોને સસ્પેન્ડ કરવા માટે લોક્સભા અધ્યક્ષને પત્ર લખે. આ સંદર્ભમાં રાહુલ શેવાળેએ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.