થાઇલેન્ડમાં, ટ્રેન અને બસ વચ્ચેના અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત નીપજ્યાં. આ ઘટના રવિવારે સવારે બની હતી. થાઇલેન્ડના મધ્ય ભાગમાં, બસ 65 મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે બસની એક ટ્રેનની સાથે ટક્કર થઈ હતી. થાઇલેન્ડના અધિકારીઓએ આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાચેઓંગસાઓમાં વરસાદ દરમિયાન વિઝિબિલિટી ચોખ્ખી ન હોવાને કારણે બસના ચાલકે ટ્રેન આવવાનું સિગ્નલ જોયું ન હતું અને રેલ્વે લાઇન ક્રોસ કરતી વખતે તે ટ્રેન સાથે ટકરાઈ હતી. આ ઘટના બેંગકોકથી 80 કિમી દૂર પૂર્વી વિસ્તારમાં બની છે.
આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા છે
ચાચેઓંગસાઓનાં જિલ્લાના ચીફ ઓફિસર પૃથુએંગ યુકાસેમે થાઇલેન્ડની ટીવી ચેનલ પીબીએસને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ત્રીસ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘટના સમયે વરસાદ પડી રહ્યો હતો અને શક્ય છે કે બસના ચાલકે ટ્રેન જોઇ નહીં હોય.
જિલ્લા ચીફ ઓફિસરે જણાવ્યું કે આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ આ ઘટનાનું કારણ શોધવાનું શરૂ કરી દીધું છે. બસ મુસાફરો સમુત પ્રાકન પ્રાંતથી ચાચેઓંગસાઓ તરફ જઇ રહી હતી. અહીં એક બુદ્ધ મંદિર છે જ્યાં લોકો દીક્ષા સમારોહમાં ભાગ લેવા જતા હતા.