થાઈલેન્ડમાં સજાતીય લગ્નને હવે કાયદેસર માન્યતા આપવામાં આવી છે. મંગળવારે થાઈ સંસદમાં સજાતીય લગ્ન અંગેના બિલ પર મતદાન થયું હતું. બિલ પર વોટિંગ દરમિયાન સેનેટમાં ૧૫૨ સભ્યો હાજર હતા, જેમાંથી ૧૩૦ સભ્યોએ બિલની તરફેણમાં જ્યારે ચાર સભ્યોએ તેની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હતું.સેનેટના ૧૮ સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. આ સાથે થાઈલેન્ડ આવો કાયદો લાગુ કરનાર દક્ષિણ-પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે.
આ બિલને હવે થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્નની ઔપચારિક મંજૂરીની જરૂર છે, ત્યારબાદ તેને રાજપત્રમાં પ્રકાશિત કરાશે. અને ૧૨૦ દિવસની અંદર એક તારીખ નક્કી કરશે જ્યારે બિલ કાયદા તરીકે અમલમાં આવશે. તાઈવાન અને નેપાળ પછી થાઈલેન્ડ સજાતીય લગ્નને મંજૂરી આપનારો એશિયાનો ત્રીજો દેશ બનશે.