’ધ કેરલ સ્ટોરી’ બોક્સ ઓફિસ કલેક્શન:વિવાદ વચ્ચે ત્રીજા દિવસે ફિલ્મે કરી ૧૬.૫૦ કરોડની કમાણી,

મુુંબઇ,અદા શર્મા સ્ટારર ’ધ કેરલ સ્ટોરી’ ૫મી મેના રોજ રીલિઝ થઈ હતી, આ ફિલ્મનું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન રહ્યું છે. વિવાદો વચ્ચે પણ ફિલ્મે ત્રીજા દિવસે ૧૬.૫૦ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. તે જ સમયે, ફિલ્મનું ઓપનિંગ કલેક્શન ૮ કરોડ તો બીજા દિવસનું કલેક્શન ૧૧.૨૨ કરોડ હતું. આ સાથે જ ફિલ્મની કમાણી ૩૫.૭૫ કરોડ થઇ ગઈ છે.

પ્રથમ દિવસે ’ધ કેરલ સ્ટોરી’એ માત્ર ૮.૦૩ કરોડની કમાણી કરી હતી, પરંતુ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીના કારણે કલેક્શનમાં વધારો થયો છે. અગાઉ, આવી જ વાસ્તવિક વાર્તા પર આધારિત ફિલ્મ ’ધ કાશ્મીર ફાઇલ્સે’ પણ પ્રથમ દિવસે ઓછી કમાણી કરી હતી અને બીજા દિવસે વધુ કમાણી કરી હતી. ૧૧ માર્ચ ૨૦૨૨ના રોજ રિલીઝ થયેલી કાશ્મીર ફાઇલે પહેલા દિવસે માત્ર ૩.૫૫ કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે બીજા દિવસે કમાણી વધીને ૮.૫ કરોડ થઈ હતી અને પછી ત્રીજા દિવસે ફિલ્મે ૧૫ કરોડનું કલેક્શન કર્યું હતું.

કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન ૩૪૦ કરોડ હતું, જ્યારે તેનું બજેટ માત્ર ૧૫ કરોડ હતું. તે જ હાલમાં ’ધ કેરલ સ્ટોરી’ સાથે જોવા મળી રહ્યું છે. ’ધ કેરલ સ્ટોરી’નું બજેટ અંદાજિત ૪૦ કરોડ રૂપિયા બતાવવામાં આવ્યું છે.

કેરળ સ્ટોરી ફિલ્મ નિર્માતા સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ તેની વાર્તાને લઈને વિવાદમાં છે. તેની રિલીઝનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જો કે કોર્ટે ફિલ્મની રિલીઝને રોકવાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મની વાર્તા છોકરીઓના ધર્મ પરિવર્તન પર આધારિત છે.

ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ છોકરીઓને લાલચ આપીને પોતાના આતંકી જૂથમાં ભરતી કરે છે. ફિલ્મ વિશે વાત કરતા ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેને કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે અને તેના માટે અન્ય ધર્મ સ્વીકારે છે તો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે ધર્મ પરિવર્તન ચોક્કસ ઈરાદાથી કરવામાં આવે છે ત્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે બતાવવા માટે.

ભાસ્કર સાથે વાત કરતાં સુદીપ્તોએ કહ્યું, ’મેં આ વિષય પર સાત વર્ષ સુધી સંશોધન કર્યું. પછી છેલ્લાં બે-ત્રણ વર્ષથી હું મારા નિર્માતા વિપુલ શાહ સાથે રિસર્ચ કરતો રહ્યો. મેં એક ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી, તેને લંડનથી એવોર્ડ પણ મળ્યો હતો.’

આ સાત વર્ષમાં અમે એક સંશોધન કર્યું છે. તેના આધારે લગભગ ૩૨ હજાર લોકોનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. જો કે કેરળના સ્થાનિક લોકોનું કહેવું છે કે ૫૦ હજારથી વધુ લોકોનું ધર્માંતરણ થયું છે.