ટેટ-ટાટ પાસ થયેલા ભાવી શિક્ષકોએ કાયમી ભરતી કરવાની માંગણી સાથે ગઈકાલથી વિરોધ શરૂ કર્યો છે. ગઈકાલે પોલીસે બળપ્રયોગ કરીને યુવક-યુવતીઓની અટકાયત કરી હતી. જોકે મોડી રાત્રિએ તેઓને છોડી દેવાયા હતા. ત્યારે ફરીવાર વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ગોધરા અને જૂનાગઢ જેવાં અનેક શહેરોમાંથી બે હજારથી વધુ શિક્ષકો ગાંધીનગર પહોંચી ગયા હતાં અને સચિવાલયને ઘેરાવો કરવાની યોજના બનાવી હતી જેને પગલે સચિવાલય તરફ જતા તમામ રસ્તાઓ પર બેરીકેડ્સ રાખી દેવાયા હતાં અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો
શિક્ષકો અલગ અલગ વાહનોમાં સચિવાલય પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી રહી હોવાના આક્ષેપ સામે આવી રહ્યા છે. તેઓ સ્વણમ સંકુલ -૧ આગળ સીએમને રજૂઆત કરવાના બહાને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. સચિવાલય પોલીસે પ્રદર્શનકારીઓની આજે ફરી અટકાયત કરી હતી
સુરતથી આવેલા એક શિક્ષિકાએ પોતાની વ્યથા જણાવતા કહ્યુ કે, અમને એવું લાગે છે કે, અમે આતંકવાદીઓ છે શિક્ષકો નથી. અમે અહીં માત્ર રજૂઆત કરવા આવ્યા છે તે પણ અમને નથી કરવા દેતા. જે પણ શિક્ષકો દેખાય તે બધાને ડિટેઇન કરી લેવામાં આવે છે.
આજે પણ ગાંધીનગરના પથિકાશ્રમ અને જુના સચિવાલય પાસે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
બીજી બાજુ ટેટ-ટાટના ઉમેદવારોએ એવું પણ એલાન કર્યું છે કે, જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. તેઓએ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનું રાજીનામું પણ માંગ્યું છે. ટેટ-ટાટ ઉમેદવારો હવે બળાપો કાઢી રહ્યાં છે. વિધાનસભામાં સરકારે કબુલ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં ૮૦ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો પછી શા માટે તે ભરતી નથી કરાતી? ભુતકાળમાં જયારે પણ રજૂઆતો કરાઈ ત્યારે સરકારે કાયમી ભરતી થશે એવુ આશ્ર્વાસન આપ્યુ હતુ. છેલ્લે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ૧૫મી જાન્યુઆરી સુધીમાં કાયમી ભરતી થવાની પ્રક્રિયા કરાશે એવુ આશ્ર્વાસન આપ્યુ હતુ. જે મુદત પૂરી થતા જ ઉમેદવારો મેદાનમાં આવી ગયા છે. ઉમેદવારો કહે છે કે, અમે એક વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ. કાયમી નોકરી માટે અમે આ અગાઉ પણ ૧૨ વખત આંદોલન કર્યુ હતુ. ગઈકાલે પોલીસના દંડા ખાનારા ઉમેદવારોનો આક્રોશ હવે પરાકાષ્ટાએ છે. તેઓ કહે છે કે, જો હવે સરકાર કોઈ જાહેરાત નહી કરે તો અમે શહીદ ભગતસિંહના માર્ગે જઈશે. જો કે, પોલીસે રોડ ઉપર જે યુવતીને ઘસડી હતી તેના સહીતની અન્ય કેટલીયે યુવતીઓએ કહ્યુ કે, અમારા ભાઈની વાત સાચી છે. કેમકે મુંગી અને બહેરી સરકાર હવે અમારુ સાંભળતી નહી હોવાથી શહીદ ભગતસિંહનો માર્ગ જ યોગ્ય છે.ઉમેદવારો કહે છે કે, હવે અમારામાંથી કેટલાયની ઉંમર ૩૫ વર્ષની થવા આવી છે. ત્યાર બાદ અમને સરકારી શિક્ષક તરકેની નોકરીમાં તક મળવાની નથી. તેઓ કહે છે કે, પોલીસે અમારી સાથે ત્રાસવાદી જેવુ વર્તન કર્યુ છે. કાળઝાળ તડકામાં પોલીસે અમને ડંડા માર્યા છે. રોડ ઉપર દોડાવ્યા.
જોકે આ મુદ્દે અમે કુબેર ડીંડોરને મળતા તેઓએ એવું કહ્યું કે, ’શિક્ષણ સચિવ વિનોદ રાવ જો મને કાયમી ભરતીની દરખાસ્ત રજૂ કરશે તો પ્રક્રિયા હાથ ધરાશે.’ આથી જ્યારે અમે વિનોદ રાવનો મળ્યા તો તેઓએ એવું કહ્યું કે, કાયમી ભરતીની સત્તા શિક્ષણમંત્રી-સરકાર પાસે છે. તમે લોકો ત્યાં રજૂઆત કરો.’ અંતે ટેટ-ટાટની યુવક-યુવતીઓની એવી માંગણી છે કે, ’કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રીએ આપેલું વચન હવે તેઓ નિભાવે. જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે.’