
મુંબઇ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જુલાઇમાં વનડે, ટેસ્ટ અને ટી ૨૦ સીરિઝ રમાવવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ ટુર માટે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. અંહિયા નોંધનીય છે કે આ વખતે ટીમમાં ઘણા નવા નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમકે વિકેટકીપર સંજુ સેમસનને ફરી એકવાર વનડે ટીમમાં તક મળી છે તો ટેસ્ટ ટીમમાં પણ ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
ટેસ્ટ ટીમમાંથી ચેતેશ્ર્વર પૂજારાને બહાર કરવામાં આવ્યો છે તો અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવને પણ ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બધાને આશા હતી કે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ સૂર્યાને આ ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં વાપસી કરવાની તક મળશે પણ તેની જગ્યાએ યુવા ખેલાડીઓને તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયેલા સૂર્યકુમાર યાદવ દુલીપ ટ્રોફી ૨૦૨૩માં રમતા જોવા મળશે. સૂર્યકુમાર યાદવને આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી પણ ટીમમાં શ્રેયસ ઐયરની વાપસી થયા બાદ સૂર્યાને પ્લેઇંગ ૧૧માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. એ બાદ અય્યરના બહાર નીકળ્યા પછી અજિંક્ય રહાણેનો ટીમમાં સમાવેશ કર્યો હતો. હવેની ટીમમાં ચેતેશ્ર્વર પુજારાને ટીમમાંથી બહાર કરવામાં આવતા રહાણેને ફરીથી વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. આવી સ્થિતિમાં સૂર્યાને ટેસ્ટના પ્લેઇંગ ૧૧માં વાપસી કરવા માટે ઘણું સારું પ્રદર્શન કરવું પડશે.
સૂર્યકુમાર યાદવને ૨૮ જૂનથી શરૂ થનારી દુલીપ ટ્રોફી માટે પશ્ર્ચિમ ઝોનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે જ ચેતેશ્ર્વર પુજારા પણ દુલીપ ટ્રોફીમાં રમશે. સાથે જ આ બંનેની જગ્યા પર જે બે યુવા ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યા છે. તેમાં યશસ્વી જયસ્વાલ અને ૠતુરાજ ગાયકવાડના નામ સામેલ છે. જો કે, આ ટેસ્ટ શ્રેણી બાદ યોજાનારી ૩ મેચની વનડે સીરિઝ માટે ઘોષિત ટીમમાં સૂર્યાને ચોક્કસપણે સ્થાન મળ્યું છે.