મુંબઇ, ક્રિકેટમાં જયારે કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરે છે તો સ્ટેડિયમમાં રહેલા દર્શકો તેના માટે ઉભા થઈને તાળીઓ પાડે છે. પરંતુ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે એક બેટ્સમેન સસ્તામાં આઉટ થયો તેમ છતાં સ્ટેડિયમમાં હાજર તમામ લોકો તેના માટે ઉભા થઇ ગયા હતા. આ ખેલાડી ઓસ્ટ્રેલિયા ટીમનો દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર હતો.
ઓસ્ટ્રેલિયા તેની બીજી ઇનિંગ રમી રહી હતી. આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની હાલત ખુબ જ ખરાબ રહી અને ટીમને એક સારી શરૂઆત મળી શકી ન હતી. ડેવિડ વોર્નર માત્ર ૬ રન બનાવીને આઉટ થયો હતો. વોર્નરે ૧૬ બોલમાં એક ચોગ્ગાની મદદથી ૬ રન બનાવ્યા હતા. વોર્નર પવેલિયન તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે મેદાનમાં હાજર તમામ દર્શકો પોતાની સીટથી ઉભા થઈને વોર્નર માટે તાળીઓ પાડી રહ્યા હતા.
જણાવી દઈએ કે વોર્નરે આ સિરીઝ પહેલા કહ્યું હતું કે આ સિરીઝ તેના કરિયરની અંતિમ સિરીઝ છે. આ સિરીઝ પછી તે ક્રિકેટને અલવિદા કહી દેશે. વોર્નરની ઇનિંગના અંત સાથે આજે તેના ટેસ્ટ કરિયરનું પણ અંત આવ્યું હતું. તે હવે ફરી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમતો જોવા નહી મળે. બોક્સિંગ ડે મેચ ઓસ્ટ્રેલિયામાં એક મોટી ટેસ્ટ મેચ માનવામાં આવે છે અને આ મેચ એમસીજીમાં જ રમવામાં આવે છે. આ સાથે જ વોર્નરે એમસીજીમાં તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. જેના કારણે આખા સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકો ઉભા થઈને તેના માટે તાળીઓ પાડી રહ્યા હતા.