મુંબઇ,
ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. આઇસીસી દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા નવા અપડેટ મુજબ ટીમ ઈન્ડિયા ટેસ્ટ ફોર્મેટમાં નંબર-૧ બની ગઈ છે. આ ઐતિહાસિક ઘટના એટલા માટે છે કારણ કે ટીમ ઈન્ડિયા હાલમાં T20, ODI અને ટેસ્ટ એમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રેન્કિંગ માં નંબર-૧ પર પહોંચી છે.
મેન્સ ક્રિકેટ ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ એક ટીમ એક્સાથે ત્રણેય ફોર્મેટમાં નંબર-૧ પોઝિશન પર પહોંચી હોય. ભારતીય ટીમે ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનીને ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં એક નવો ઈતિહાસ રચ્યો છે.
ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ
ટી ૨૦ ભારત નંબર ૧ રેટિંગ ૨૬૭
વનડે રેન્કિંગ ભારત નંબર ૧, રેટિંગ ૧૧૪
ટેસ્ટ રેન્કિંગ ભારત નંબર ૧, રેટિંગ ૧૧૫
આઇસીસી દર બુધવારે ક્રિકેટના નવા અપડેટ જાહેર કરે છે. ભારતે નાગપુર ટેસ્ટમાં મોટી જીત હાંસલ કર્યા પછી પ્રથમ વખત રેક્ધિંગ ડેટા અપડેટ કરાયો છે. જેના લીધે ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો થયો છે. હવે ટેસ્ટમાં ભારતના ૧૧૫ રેટિંગ પોઈન્ટ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ૧૧૧ રેટિંગ પોઈન્ટ સાથે નંબર-૨ પર પહોંચી ગયું છે.
ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે પુરૂષોની ટીમ ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર-૧ બની હોય. ભારતીય ટીમ પહેલાથી જ ટી ૨૦ અને વન ડે ફોર્મેટમાં નંબર-૧ પર હતી. ટેસ્ટમાં ભારત બીજા નંબરે હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટમાં નાગપુરમાં ઈનિંગ અને ૧૩૨ રને મળેલી જીત બાદ ટેસ્ટમાં પણ ભારત નંબર ૧ પર પહોંચી ગયું છે.
ભારતીય ટીમ ૧૯૭૩માં પહેલીવાર ટેસ્ટ રેન્કિંગ માં નંબર-૧ બની હતી. એ પછી છેક વર્ષ ૨૦૦૯માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-૧ બની જે વર્ષ ૨૦૧૧ સુધી આ જ સ્થાન પર રહી હતી. તે પછી ૨૦૧૬ માં વિરાટ કોહલીના નેતૃત્વમાં, ટીમ ઇન્ડિયા ટેસ્ટમાં ટોચ પર પહોંચી અને એપ્રિલ ૨૦૨૦ સુધી સતત નંબર વન સ્થાન પર રહી. ત્યારપછી ટીમ ઈન્ડિયા ટોપ-૩માં હતી, પરંતુ હવે ફરી એકવાર તે નંબર-૧ પર પહોંચી ગઈ છે.
માત્ર એક ટીમ તરીકે જ નહીં, ભારતીય ખેલાડીઓએ તાજેતરની આઇસીસી રેન્કિંગ માં પણ જબરદસ્ત ફાયદો કર્યો છે. નાગપુર ટેસ્ટમાં સદી ફટકારનાર કેપ્ટન રોહિત શર્મા હવે બેટ્સમેનોની રેન્કિંગ માં નંબર-૮ પર આવી ગયો છે. બોલરોની યાદીમાં રવિચંદ્રન અશ્ર્વિન નંબર-૨ પર આવી ગયો છે, તેણે નાગપુર ટેસ્ટમાં ૮ વિકેટ ઝડપી હતી.આ સિવાય જસપ્રીત બુમરાહ નંબર-૫ પર છે. જો ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા નંબર-૧ અને રવિચંદ્રન અશ્ર્વિન નંબર-૨ પર પહેલાથી જ કબજો જમાવી ચૂક્યા છે.