ટેલિગ્રામ એપના સ્થાપક પાવેલ દુરોવ સામે આરોપો સાબિત થશે તો તેને ૧૦ વર્ષની જેલ થઈ શકે છે

ફ્રેન્ચ ન્યાયાધીશોએ મેસેજિંગ એપ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવ પર તેમના પ્લેટફોર્મ પર ગુનાહિત પ્રવૃત્તિઓને મંજૂરી આપવાનો આરોપ મૂક્યો છે. ન્યાયાધીશોએ પોવેલને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો, પરંતુ પ્રાથમિક તપાસ ચાલુ હોય ત્યાં સુધી તેને ફ્રાન્સ છોડવા પર પ્રતિબંધ મૂક્યો. પોવેલની શનિવારે જ પેરિસના બે બોર્ગેટ એરપોર્ટની બહાર અટકાયત કરવામાં આવી હતી. ચાર દિવસની પૂછપરછ બાદ પોવેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જામીન મળી ગયા હતા.

તેની ધરપકડ થઈ ત્યારથી, અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થકો અને સરમુખત્યારશાહી સરકારો દુરોવના બચાવમાં બોલી રહ્યા છે. આ કેસમાં ઓનલાઈન ગેરકાયદેસર પ્રવૃત્તિ અને રશિયનમાં જન્મેલા દુરોવની અસામાન્ય જીવનચરિત્ર અને બહુવિધ પાસપોર્ટ પર પોલીસના પડકારો તરફ પણ યાન દોરવામાં આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં શરૂ કરાયેલી વ્યાપક તપાસના ભાગરૂપે શનિવારે પેરિસની બહારના લે બોર્ગેટ એરપોર્ટ પર દુરોવની અટકાયત કરવામાં આવી હતી અને ચાર દિવસની પૂછપરછ બાદ બુધવારે છોડી મૂકવામાં આવ્યો હતો.

પેરિસ પ્રોસિક્યુટર ઓફિસના નિવેદન અનુસાર, ન્યાયાધીશોએ પાવેલ દુરોવ સામે પ્રાથમિક આરોપો દાખલ કર્યા અને મીડિયા અહેવાલો અનુસાર, તેને પાંચ મિલિયન યુરોની રકમમાં જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. જો કે, ન્યાયાધીશોએ પોવેલને અઠવાડિયામાં બે વાર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવા અને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આરોપ છે કે ટેલિગ્રામ એપનો ઉપયોગ બાળ યૌન શોષણ સામગ્રી અને ડ્રગ હેરફેર માટે કરવામાં આવી રહ્યો છે. ટેલિગ્રામ મેનેજમેન્ટ પર આરોપ છે કે તેણે તપાસર્ક્તાઓ સાથે આરોપો સાથે સંબંધિત દસ્તાવેજો શેર કરવાનો ઇનકાર કર્યો હતો અને તપાસમાં સહકાર આપ્યો ન હતો.

ફ્રાન્સના કાયદા હેઠળ, ન્યાયાધીશો પ્રારંભિક આરોપ મૂકે છે એટલે કે મેજિસ્ટ્રેટ પાસે ગુનો આચરવામાં આવ્યો હોવાનું માનવાનું મજબૂત કારણ હોય છે, પરંતુ હવે તેમને વધુ તપાસ કરવા માટે સમય આપવામાં આવે છે. દુરોવના વકીલે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુનાઓ માટે પ્લેટફોર્મ માલિક અથવા પ્લેટફોર્મને ગુનાહિત કૃત્યોમાં ફસાવવું વાહિયાત છે. ફ્રાન્સના સત્તાવાળાઓએ ટેલિગ્રામને બાળકો સામેના ગુનાના આરોપીઓના ડેટાની તપાસમાં મદદ માંગી હતી, પરંતુ ટેલિગ્રામે તપાસમાં સહકાર આપવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ ફ્રાન્સની સરકારે ટેલિગ્રામ વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.