તેલંગાણા સરકારે ગુરુવારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૨.૯૧ લાખ કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથેનું બજેટ રજૂ કર્યું. બજેટમાં રેવન્યુ ખર્ચ રૂ. ૨.૨૧ લાખ કરોડ અને મૂડી ખર્ચ રૂ. ૩૩,૪૮૭ કરોડ છે. કુલ આવક રૂ. ૨,૯૦,૮૧૪ કરોડ અંદાજવામાં આવી હતી, જેમાં રૂ. ૫૭,૦૦૦ કરોડથી વધુની ઓપન માર્કેટ લોનનો સમાવેશ થાય છે.
તેલંગાણાના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન મલ્લુ ભાટી વિક્રમાર્કાએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે કૃષિ માટે રૂ. ૭૨,૬૫૯ કરોડ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાય શિક્ષણ વિભાગ માટે રૂ. ૨૧,૨૯૨ કરોડ અને સિંચાઇ માટે રૂ. ૨૨,૩૦૧ કરોડનો ખર્ચ કરવાનો પ્રસ્તાવ છે.
વિક્રમાર્કે કહ્યું કે આ બજેટમાં અમે પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ માટે ૨૯,૮૧૬ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેલંગાણાનું દેવું ૬.૭૧ લાખ કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી ગયું છે. છેલ્લા ૧૦ વર્ષમાં કોઈપણ વિકાસ વિના રાજ્ય સરકારનું દેવું ૧૦ ગણું વધી ગયું છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર સત્તામાં આવ્યા પછી, ૩૫,૧૧૮ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી, જ્યારે ૪૨.૮૯૨ કરોડ રૂપિયાની લોન (મૂળ અને વ્યાજ બંને) ચૂકવવામાં આવી હતી.