- તેલંગાણાના હૈદરાબાદમાં અડધી રાતે ઝડપાઈ 750 કરોડ ભરેલી ટ્રક
- પોલીસ અને ચૂંટણી અધિકારીઓના ચેકિંગમાં ઝડપાઈ ટ્રક
- 750 કરોડની ચલણી નોટો યુનિયન બેન્ક ઓફ ઈન્ડીયાની હતી
તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી છે આવી સ્થિતિમાં પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ રાજ્યમાં ચેકિંગ કડક બનાવ્યું છે અને હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી છે અને ગાડીઓની તપાસ ચાલી રહી છે. અડધી રાતે આવા એક ચેકિંગ વખતે પોલીસને ત્યારે નવાઈ લાગી કે તેણે જ્યારે એક આખી ટ્રક ભરેલી ચલણી નોટો પકડી હતી. શરુઆતમાં તો પોલીસ અને ચૂંટણી અધિકારીઓને લાગ્યું કે આ ચૂંટણી માટે પૈસા લઈ જવાનું કૌભાંડ હોઈ શકે. તપાસ કરતાં ટ્રકમાં 750 કરોડની ચલણી નોટો મળી આવી હતી. આ કેસમાં ચૂંટણી અધિકારીઓ કાર્યવાહી કરવાના હતા ત્યારે તેમની સામે સત્ય સામે આવ્યું અને તેમને ટ્રક છોડવી પડી.
મંગળવારે રાત્રે પોલીસની ટીમે ગડવાલ હાઇવે પર એક ટ્રકને રોકી હતી. આ કેસ વિશે માહિતી આપતા તેલંગાણા પોલીસના નોડલ ઓફિસર સંજય કુમાર જૈને જણાવ્યું હતું કે, “ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી 750 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. ચૂંટણી અધિકારીઓએ આ કેસમાં કાર્યવાહી કરવા માટે ગડવાલ પોલીસની મદદ લેવી પડી હતી.
આ રોકડ રકમ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની હોવાનું માલુમ પડતાં કોઇ પણ પ્રકારની હિલચાલ વગર મામલો થાળે પડ્યો હતો, જેને કેરળથી હૈદરાબાદ લઇ જવામાં આવી રહી હતી. બુધવારે, તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંક અધિકારીઓ તરફથી પુષ્ટિ મળ્યા બાદ ટ્રકને આગળની મુસાફરી માટે મુક્ત કરવામાં આવી હતી. “750 કરોડ રૂપિયાની રોકડ સાથેની ટ્રક થોડા કલાકો સુધી હેડલાઇન્સ બની હતી, પરંતુ આખરે અમને ખબર પડી કે આ બેન્કના પૈસા છે અને તેથી ટ્રકને છોડી દેવામાં આવી અને તે હૈદરાબાદ તરફ આગળ વધી ગઈ હતી.
તેલંગાણાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તેલંગાણાના ચૂંટણી અધિકારીઓને હૈદરાબાદ થઈને ગોવા અને અન્ય સ્થળોએથી થતી દાણચોરીને રોકવાનો નિર્દેશ આપ્યો હતો. રાજ્ય પોલીસ દ્વારા “ઓછી” રોકડ જપ્તીથી પણ તેઓ નારાજ હતા. વિરોધ પક્ષોની ફરિયાદોને પગલે ચૂંટણી પંચે ટોચના આઇપીએસ અધિકારીઓ, ચાર કલેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓની પણ બદલી કરી છે. ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યા બાદ રાજ્યમાં ચૂંટણી ફરજ પરના પોલીસકર્મીઓ કોઇ પણ પ્રકારની ઢીલાશ દાખવવા માગતા નથી અને ચેકિંગ કડક બનાવી રહ્યાં છે.