તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા

હૈદરાબાદ, તેલંગણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીઆરએસ ચીફ ચંદ્રશેખર રાવ ગઈકાલે રાતે તેમના જ ફાર્મહાઉસમાં પડી ગયા હતા. કેસીઆર ઇજા પામતા તેમને રાત્રે જ યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેસીઆરની પુત્રી કવિતાએ ટ્વીટ કરી માહિતી આપી સાથે જણાવ્યું કે બીઆરએસ ચીફ ચંદ્રશેખર રાવને સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં લઈ જવાયા. તેઓ હાલમાં હોસ્પિટલમાં નિષ્ણાતો ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. શુભેચ્છકોની પ્રાર્થના અને આર્શીવાદથી પિતા જલ્દી સ્વાસ્થ્ય થઈ જશે.

દેશમાં હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. તેલંગણામાં ૧૧૯ બેઠકો પર મતદાન થયું. આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ બીઆરએસને ૩૯ બેઠકો મળી જ્યારે કોંગ્રેસે ૬૪ બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસના રેવંત રેડ્ડીએ બીઆરએસના દસ વર્ષના શાસનને હટાવતા કેસીઆર સામે મોટી જીત મેળવી. ચૂંટણીમાં હાર થયા બાદથી બીઆરએસ ચીફ ચંદ્રશેખર રાવ સરકારી મકાન છોડી ૩ ડિસેમ્બરથી પોતાના ફાર્મ હાઉસમાં રહે છે. છેલ્લા બે  ત્રણ દિવસથી તેમના ફાર્મ હાઉસ પર ચૂંટણી પરિણામોને લઈને ચર્ચા કરવા અનેક ધારાસભ્યો સાથે મુલાકાતો થઈ હતી. દરમ્યાન ફાર્મહાઉસમાં જ પડી જતા ઇજા પામતા કેસીઆરને હોસ્પિટલ દાખલ કરાયા. તેમની પુત્રી કવિતા ઉપરાંત પાર્ટીના અન્ય નેતાઓ હોસ્પિટલ પંહોચ્યા હતા.

ગઈકાલે ૭ ડિસેમ્બરના રોજ રેવંત રેડ્ડીએ તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યપાલે એક નાયબ મુખ્યમંત્રી સહિત ૧૧ ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. જેમાં બે મહિલા ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. મંત્રી તરીકે શપથ લેનારા ધારાસભ્યોમાં એન ઉત્તમ કુમાર રેડ્ડી, સી દામોદર રાજનરસિમ્હા, કોમાતિરેડ્ડી વેંકટા રેડ્ડી, પોનમ પ્રભાકર, થુમ્માલા નાગેશ્ર્વર રાવ વગેરેનો સમાવેશ થાય છે.