તેલંગાણામાં ચૂંટણી અગાઉ રૂપિયા ૩૦૦ કરોડથી વધારે રોકડ અને સોનુ જપ્ત કરવામાં આવ્યું

હૈદરાબાદ,એવું લાગે છે કે તેલંગાણામાં ચૂંટણી નહીં પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. દરરોજ કરોડો રૂપિયાની રોકડ તથા સોનુ પકડાઈ રહ્યું છે. સોનાથી લઈ બેહિસાબી નાણા ચૂંટણી દરમિયાન સતત બહાર આવી રહ્યું છે. સત્તાવાર માહિતી પ્રમાણે તેલંગાણામાં ચૂંટણી અગાઉ રોકડ તથા સોનાની જપ્તી રૂપિયા ૩૦૦ કરોડને પાર થઈ ચુકી છે.

વર્ષ ૨૦૧૮માં ચૂંટણી દરમિયાન કુલ રૂપિયા ૧૦૩ કરોડની રોકડ તથા સોનાની જપ્તી થઈ હતી. તેલંગાણામાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી છે તે અગાઉ શનિવારે રોકડ સોનું, શરાબ તથા અન્ય વસ્તુઓની જપ્તી રૂપિયા ૩૦૦ કરોડને પાર થઈ ચુકી છે. તપાસ એજન્સીઓએ શનિવારે સવારે રૂપિયા ૧૮ કરોડથી વધારે રોકડની જપ્તિ કરી હતી, તેમા સોનુ તથા શરાબનો સમાવેશ થતો હતો.

આ સાથે જ ૯ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં કુલ જપ્તી રૂપિયા ૩૦૭ કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં આટલા ઓછા સમયમાં આટલી મોટી રકમની જપ્તી તે એક રેકોર્ડ માનવામાં આવે છે.

તપાસ એજન્સીઓ ૯ ઓક્ટોબરથી તપાસ કરી રહી હતી. ચૂંટણી પંચે કાર્યક્રમની જાહેરાત કરી તે સાથે જ આચાર સંહિતા લાગૂ થઈ છે. ૨૪ કલાકની અવધી દરમિયાન રૂપિયા ૯.૬૯ કરોડથી વધારે રોકડ જપ્ત કરવામાં આવી છે. કુલ રોકડની જપ્તી હવે રૂપિયા ૧૦૫.૫૮ કરોડ થઈ છે.

મળતી માહિતી પ્રમાણે ૨૦ ઓક્ટોબર સવારે ૯ વાગ્યાથી ૨૧મી ઓક્ટોબર સવારે ૯ વાગ્યા વચ્ચે રૂપિયા ૩.૮૧ કરોડ કરતાં વધારે કિંમતની ધાતુઓ જપ્ત કરવામાં આવ્યું ચે. અત્યાર સુધીમાં ૨૦૦ કિલો સોનુ, ૮૯૪ કિલો ચાંદી, હીરા તથા પ્લેટિનિયમ જપ્ત કરવામાં આવ્યા છે. જેની કિંમત આશરે રૂપિયા ૧૪૫ આંકવામાં આવે છે.