પટણા,બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પિતા બની ગયા છે. તેજસ્વી યાદવે સવારે ૯.૫૩ કલાકે દીકરીના ફોટા સાથે ટ્વીટ કરતા લખ્યું હતું કે ઈશ્ર્વરે પ્રસન્ન થઈને પુત્રી રત્નરૂપે ભેટ આપી છે.
આ ખુશીમાં તેજપ્રતાપ યાદવે વિધાનસભામાં લાડુ વહેંચ્યા હતા. અગાઉ તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે નવરાત્રિના આ શુભ અવસર પર અમારા પરિવારમાં એક નવું સભ્ય આવ્યું છે. તે શુભ સંકેત છે કે દેવી દુર્ગાએ શક્તિના રૂપમાં તેમના આશીર્વાદ આપ્યા છે… હવે ટૂંક સમયમાં બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે… મારા અર્જુનને પુત્રી ધન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.. આ સાથે નાના ફઈ રોહિણીએ પણ તેજસ્વી અને બાળકીના ફોટા સાથે એક પછી એક ૨ ટ્વિટ કર્યા છે. ટ્વીટ કરતી વખતે તેણે લખ્યું કે ભાઈ-ભાભીનો ચહેરો ખીલીને હસતો રહે, મારા ઘરમાં આવી જ ખુશીઓ કાયમ રહે.
બીજા ટ્વીટમાં લખ્યું કે મન ખુશીના સાગરમાં ડૂબી ગયું, પિતા બનવાની ખુશીમાં ભાઈ તેજસ્વીના ચહેરા પર આવી જ ખુશી જોવા મળી… આજે માકા ઘર આંગણે કિલકારી ગુંજી છે ભગવાને ખુશીની ભેટ આપી છે.
બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ પણ ટ્વીટ કરીને તેજસ્વી યાદવને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી તેજસ્વીજીને પુત્રી રત્ન મળવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. જણાવીએ કે ડિસેમ્બર ૨૦૨૧માં તેજસ્વી અને રાજશ્રીના લગ્ન થયા હતા. આ લગ્ન દિલ્હીમાં કરવામાં આવ્યા હતા. બંને એકબીજાને પહેલાથી સારી રીતે ઓળખતા હતા.
લેન્ડ ફોર જોબ્સ કેસમાં છેલ્લા એક મહીનાથી લાલુ પરિવાર સંકટમાં છે. ઈડીએ દિલ્હીથી લઈને પટના સુધી દરોડા પાડ્યા છે. બાદમાં લાલુ, રાબડી અને મીસાની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે લાલુ, રાબડીને આ કેસમાં જામીન મળી ગયા છે. ત્યારબાદ તેજસ્વીને પણ સીબીઆઇએ સમન પાઠવ્યું છે.સીબીઆઇના સમન સામે કોર્ટમાં પણ ગયા હતા, જેથી સીબીઆઇ પૂછપરછ ન કરે. જો કે, તેજસ્વીને રાહત મળી ન હતી. આ પછી શનિવારે લેન્ડ ફોર જોબ્સ કેસમાં તેજસ્વી યાદવની ૮ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ઈડીએ મીસા ભારતીની ૭ કલાક સુધી પૂછપરછ કરી હતી. સોમવારે દીકરીના જન્મથી લાલુ પરિવારમાં ખુશીનો માહોલ છે.