ટીમ માંથી બહાર કરાયા બાદ ધવનનું દર્દ છલકાયું

નવીદિલ્હી,

શ્રીલંકા વિરુદ્ધ ટી-૨૦ અને વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા જાહેર થઈ ચૂકી છે. ચોંકાવનારી વાત એ રહી કે ભારતીય ટીમના સ્ટાર બેટર શિખર ધવનને વન-ડે શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો નથી. શિખરે તાજેતરમાં જ બાંગ્લાદેશ સામે વન-ડે શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. વન-ડે ટીમમાંથી બહાર થયા બાદ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તેણે ભાવુક પોસ્ટ કરી છે.

શિખર ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કર્યું છે જેમાં તેણે કેપ્શન આપ્યું છે કે વાત જીત-હારની નથી હોતી, દિલની હોય છે, કામ કરો અને બાકી ભગવાન ઉપર છોડી દો…

બાંગ્લાદેશ વિરુદ્ધ ધવને પહેલી વન-ડેમાં સાત, બીજી વન-ડેમાં આઠ અને ત્રીજી મેચમાં ત્રણ જ રન બનાવ્યા હતા. આ પહેલાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી વન-ડેમાં તેણે ૭૨ રનની શાનદાર ઈનિંગ રમી હતી. ધવન ટી-૨૦ અને ટેસ્ટ ટીમમાંથી પહેલાં જ બહાર થઈ ચૂક્યો છે. આ શ્રેણીમાં પસંદ નહીં થયા બાદ તેના આંતરરાષ્ટ્રીય કરિયર ઉપર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ધવન આ વર્ષે ભારત વતી વન-ડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા નંબરે છે. તેણે વર્ષ ૨૦૨૨માં ૨૨ મેચમાં ૬૮૮ રન બનાવ્યા છે. આટલા શ્રેષ્ઠ પ્રદર્શન છતાં તેને વન-ડે ટીમમાંથી બહાર કરાયો છે ત્યારે હવે એ જોવું રસપ્રદ રહેશે કે ધવનની આગાની શ્રેણીમાં પસંદગી થાય છે કે નહીં.